- વેચવાલીના દબાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઘટીને 29 ડોલરની અંદર
- US ટ્રેઝરી યિલ્ડમાં વધારો અને ડોલર ઇન્ડેક્સમાં સુધારો થતા બુલિયનમાં નરમી
- સ્થાનિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં નરમ વલણ રહ્યું
ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે વૈશ્વિક બુલિયનમાં વેચવાલીનું પ્રેશર રહેતા સ્થાનિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં નરમ વલણ રહ્યું હતું.
ડોલર ઇન્ડેક્સમાં મજબુતી અને સાથે જ US ટ્રેઝરી યિલ્ડમાં વધારો થવાથી સોના-ચાંદીમાં વેચવાલી જોવા મળી હતી. કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તરે ફ્ંડામેન્ટલ મજબુત હોવા છતાં ઉપલા મથાળે નફરૂપી વેચવાલીના કારણે આ સપ્તાહ દરમિયાન સોનામાં ખરીદી ઓછી અને વેચાણ વધુ દેખાયું હતું.
અમદાવાદ ખાતે ચાંદી રૂ. 2,000 ઘટીને રૂ. 84,000 પ્રતિ કિલો થઇ હતી. સ્થાનિકમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 200 નરમ પડીને રૂ. 74,000 અને 22 કેરેટ સોનું રૂ. 73,800 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાજરમાં 2517 ડોલરથી ઘટીને 2503 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદીના ભાવ 29.44 ડોલરથી ઘટીને 28.87 ડોલર પ્રતિ ઔંસ થયા હતા. કોમેક્સ સોનું 24.30 ડોલર ઘટીને 2536 ડોલર પ્રતિ ઔંસ થયું હતું જયારે કોમેક્સ ચાંદી 74.4 સેન્ટ ઘટીને 29.24 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.
બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા મુજબના આવતા ફ્ેડરલ રીઝર્વ વ્યાજદરમાં તેના નિર્ધારિત સમય મુજબ બદલાવ કરે તેવી સંભાવના ઉભી થઇ છે. આ સાથે જ અન્ય કરન્સી સામે ડોલર મજબુત બન્યો છે અને US ટ્રેઝરી યિલ્ડમાં પણ વધારો થયો છે. આ બધા પરિબળોએ સોનામાં મંદીનું માનસ ઉભું કર્યું છે. જોકે, જીઓ પોલિટીકલ ટેન્શન અને ફ્ેડની પોલિસી અંગે વધુ સ્પષ્ટતાની અપેક્ષા હોવાથી વેચવાલીનું પ્રેશર માર્યાદિત કરે તેવી સંભાવના છે.
Source link