Wednesday, April 24, 2024
HomeGUJARATયાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ નિમિત્તે ભક્તોનો સાગર, લાલબાગમાં રંગોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ નિમિત્તે ભક્તોનો સાગર, લાલબાગમાં રંગોત્સવ ઊજવાયો


  • સાંજે 5.30 વાગે મંદિરમાંથી શ્રીજીની શોભાયાત્રા નીકળી,માર્ગો જય રણછોડથી ગુંજી ઊઠયા
  • ગોપાલલાલજી મહારાજની સુશોભિત કરાયેલી સુવર્ણ પાલખી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી
  • વૈષ્ણવો, ભકતો રણછોડયમય બની ગયા હતા.

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં બુધવારે આમલકી એકાદશી પર્વ નિમિતે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો. સાંજે 5 વાગે ઉત્થાપન આરતી બાદ નિજ મંદિરમાંથી શ્રીજીના બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજની સુશોભિત કરાયેલી સુવર્ણ પાલખી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ સમયે વૈષ્ણવો તથા શ્રાદ્ધાળુઓના જય રણછોડ …માખણચોર ના નાદથી યાત્રાધામ ગુંજી ઉઠયું હતું. લાલબાગ ખાતે સાંજે 7 વાગ્યાના અરસામાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી હોળી ખેલીને શ્રાદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. વૈષ્ણવો, ભકતો રણછોડયમય બની ગયા હતા.

યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ બુધવાર થી ફાગોત્સવ (હોળી ધુળેટી પૂનમ મેળો) નો પ્રારંભ થઇ ગયો છે. આ પર્વ નિમિતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારથીજ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવ્ય પ્રસંગે ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. આખો દિવસ ભકતજનોનો અવિરત પ્રવાહ રહ્યો છે. જયારે સાંજે ઉત્થાપન આરતી બાદ 5.30 કલાકે ગોપાલલાલજી મહારાજ ને જય રણછોડ ..માખણચોરના જયઘોષ સાથે શણગારેલી સુવર્ણ પાલખીમાં બિરાજમાન કરાવ્યા હતા. મંદિરની પરિક્રમા કરીને 5.45 વાગ્યાના અરસામાં મંદિર બહાર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. ભગવાન ગોપાલ લાલજી મહારાજ વસંતઋતુ ને નિહાળવા નીકળ્યા હતા. અમદાવાદ-ઉમરેઠ, ડાકોરની ભજન મંડળીઓ દ્વારા સૂર સંગીત અને ભજન કિર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નગરના જાહેર માર્ગો પર થઇને સાત વાગ્યાના અરસામાં લાલબાગ ખાતે પહોંચી હતી. જયાં ભગવાનને ધાણી, અને મગસ ધરાવીને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સેવકો, વૈષ્ણવો અને મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓએ અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ ઉજવીને વ્રજભૂમિમાં હોળી ખેલ્યાની અનુભૂતિ સાથે ધન્ય બન્યા હતા. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં શોભાયાત્રા નીકળીને નગરના જાહેર માર્ગો પર થઇને લક્ષ્મીજી મંદિરે મોડી સાંજે પહોંચી હતી.ત્યારબાદ રાત્રે 9 વાગ્યાના અરસામાં ભગવાનની શોભાયાત્રા નિજ મંદિરમાં પરત આવી હતી. ત્યારબાદ ભગવાન શયન અને સખડીભોગ આરોગીને અનુકૂળતાએ પોઢી ગયા હતા.Source link

- Advertisment -

Most Popular

Recent Comments