Saturday, April 13, 2024
HomeGUJARAT16 વર્ષીય સગીરાના પ્રેમ સંબંધને કારણે માતાપિતા તથા મોટી બહેને મારી નાંખી

16 વર્ષીય સગીરાના પ્રેમ સંબંધને કારણે માતાપિતા તથા મોટી બહેને મારી નાંખી

વાંકાનેરના દીઘલીયા ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાના પ્રેમ સંબંધને કારણે માતાપિતા તથા મોટી બહેને તેને મારી નાંખી છે. જોકે, આ ઘટનામાં મોટી વાત બહાર આવી છે. સગીરાને બીજા કોઇની સાથે નહીં પરંતુ મોટી બહેનના નણદોઈ સાથે પ્રેમ સંબંધ હતો. આ વાત બહાર ન આવે તે માટે પરિવારે મળીને તેને પહેલા ઓશીકાથી મોઢે ડૂમો દઈ જે બાદ હાથથી તથા દુપટ્ટાથી ગળે ટૂંપો દઈને મોત નિપજાવ્યું હતું. હત્યાના આ બનાવમાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. ત્યારે ચકચારી હત્યાના કેસમાં મૃતક સગીરાના કૌંટુબીક કાકા દ્વારા પોલીસ મથકમાં હત્યારા માતા-પિતા અને બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ચકચારી હત્યા કેસની વિગત અનુસાર ગત તા.26 માર્ચની રાત્રીએ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામમાં રહેતી રીંકલ મહેશભાઇ ગોંડલીયા નામની 16 વર્ષીય સગીરાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. મૃતક સગીરાના માતા પિતાએ તબીબ સમક્ષ મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. ત્યારે ડોક્ટરને સગીરાનું મોત શંકાસ્પદ લાગતા મૃતદેહને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જેમાં મોતનું કારણ ગળાંફાસો હોવાનું ખુલ્યું હતું. સગીરાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોકલ્યાના બીજે દિવસે મૃતક સગીરાના માતાપિતાના ઘરે તેમના કુટુંબીજનો તથા સગાવ્હાલા ગયા હોય ત્યારે મૃતક સગીરાના મૃત્યુ અંગે વાત કરતા પૂછ્યું કે, મૃતકને કઈ નથી થયું તો તેની લાશને ડોક્ટરે પીએમ માટે કેમ રાજકોટ મોકલી ત્યારે મૃતક સગીરાના માતા-પિતા એકદમ ગભરાઈ ગયા અને જવાબ આપી શક્યા ન હતા.

પિતા પૂછપરછમાં ભાંગી પડ્યા

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી. જેમા પિતા ભાંગી પડતા જણાવ્યું હતું કે, તેની મૃતક દીકરી રિંકલને બામણબોર રહેતા પરિણીત રાહુલ મુકેશભાઈ કાપડિયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે પ્રેમસંબંધના કારણે મૃતક રિંકલની મોટી બહેન હિરલબેનની નણંદ સાથે મૃતક યુવતીના પ્રેમી યુવકના છૂટાછેડા થયા હતા.

જેથી મૃતક રિંકલને રાહુલ સાથે પ્રેમસંબંધ રાખવાની માતાપિતા દ્વારા ના પાડી સમજાવી હતી કે, તારા કારણે ભવિષ્યમાં તારી મોટી બહેનના છૂટાછેડા થશે. ઘણું સમજાવી છતાંય મૃતક રિંકલ ગત.26-03ના રોજ રાત્રીના 1 વાગ્યાની આસપાસ પ્રેમી સાથે મોબાઈલમાં વાત કરતી હતી. ત્યારે મૃતક રિંકલને તેની માતા દ્વારા પકડી પાડવામાં આવી હતી. ત્યારે તેની માતાએ તેનો મોબાઇલ લઇ સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું.

ત્યારબાદ રાત્રીના ત્રણ-સાડાત્રણની આસપાસ રિંકલના માતા-પિતા તથા બહેન દ્વારા રિંકલના હાથ પગ પકડી તેને ઓશીકા વડે તેમજ હાથથી અને દુપટ્ટાથી ગળેફાસો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનું જણાવ્યુ હતું.

માતા અને બહેનની અટકાયત કરાશે

સગીરાની હત્યા કર્યાનું તેના માતા પિતા દ્વારા જણાવતા દીઘલીયા ગામમાં જ રહેતા કૌટુંબીકભાઈ દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા(માતા), મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયા(પિતા)તથા હિરલબેન મહેશભાઈ ગોંડલીયા(બહેન) વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પિતા મહેશ ગોંડલિયાની અટકાયત કરી છે તેમજ આરોપી માતા અને બહેનની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -

Most Popular

Recent Comments