NATIONAL

Assamમાં 22,000 કરોડનું ઓનલાઇન કૌભાંડ

  • રોકાણકારોને 60 દિવસમાં જ તેમના રોકાણ પર 30 ટકા રિટર્નનો વાયદો આપી છેતરપિંડી કરવામાં આવી
  • પોલીસે આ કૌભાંડમાં હજુ સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે
  • આ ગેંગ સમગ્ર રાજ્યમાં ફેલાયેલી હોવાની આશંકા

દલાલોએ લોકોને નાણાં બમણા કરી આપવાનો વાયદો કરી રોકાણ કરાવ્યું હતું, દિબ્રુગઢના બિઝનેસમેન વિશાલ ફૂકન અને ગુવાહાટીના સ્વપ્નિલ દાસની ધરપકડ કરાઈ, આરોપીએ આસામી ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ કરવાની સાથે સંપત્તિઓ ખરીદી હોવાનું તપાસમાં સામે આવ્યું

આસામમાં ઓનલાઇન છેતરપિંડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના નામે બેન્કોમાં ખાતા ખોલાવીને છેતરપિંડી કરનારા સાઇબર ગુનેગારોની એક મોટી ગેંગ ઉઘાડી પાડવામાં આવી છે. આ કૌભાંડ 22,000 કરોડ કરતા વધારે રકમનું છે. દલાલોએ લોકોને તેમના નાણાં બમણા કરી આપવાનો દાવો કરીને ઓનલાઇન છેતરપિંડી કરી હતી. પોલીસે આ કૌભાંડમાં હજુ સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. ડિબ્રૂગઢના 22 વર્ષીય ઓનલાઇન બિઝનેસમેન વિશાલ ફૂકન અને ગુવાહાટીના સ્વપ્નિલ દાસની આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ ગેંગ સમગ્ર રાજ્યમાં ફેલાયેલી હોવાની આશંકા છે.

ગેંગના અન્ય ઠગોની ધરપકડ કરવા માટે પોલીસ હાલ દરોડાની કાર્યવાહી કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફૂકન પોતાની આલીશાન જીવનશૈલીથી લોકોને આકર્ષતો હતો. પોતાના રોકાણકારોને તે 60 દિવસની અંદર જ તેમના રોકાણ પર 30 ટકા રિટર્ન આપવાનું વનચ આપતો હતો. ફૂકને ચાર નકલી કંપનીઓ બનાવી હતી તેણે આસામના ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ કર્યું હતું અને ઘણી બધી સંપત્તિઓ ખરીદી હતી.

ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બરાહના જણાવ્યા અનુસાર આ વર્ષની શરૂઆતમાં ગુવાહાટીના એક રહેવાસીએ ફરિયાદ દાખલ કરી હતી અને તેમાં દાવો કર્યો હતો તેના એક પરિચિત શખ્સે તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું, પરંતુ ઘણા મહિનાઓ વીતી જવા છતાં તેને ચેકબુક અને પાસબુક નહોતી મળી. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ લોકોને આવા ઠગોથી સાવધાન રહેવા જણાવ્યું હતું.

ચાર આરોપીની ધરપકડ કરાઈ

પોલીસના અનુસાર કેસમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં મુખ્યત્વે ગેંગના એજન્ટ સામેલ છે. તેમજ શહેરના હાટીગાંવ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી વિવિધ વસ્તુઓ જપ્ત કરાઈ છે. જેમાં 44 ચેકબુક, 12 બેન્ક પાસબુક, 49 એટીએમ કાર્ડ, યુએઇ અને થાઇલેન્ડની સાત વિદેશી મુદ્રા, સાત યુપીઆઇ સ્કેનર અને એક આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ શામેલ છે.

પોતાના બેન્ક ખાતાનો ઉપયોગ નહોતો કરાતો :

પોલીસ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે સાઇબર ગેંગોને છેતરપિંડી કરવા માટે ટેલિફોન કે ઇન્ટરનેટ પર વિવિધ કૌભાંડોના માધ્યમથી નાગરિકોને છેતરીને પૈસા કમાવા માટે ઘણા બેન્ક ખાતાઓની જરૂરિયાત રહે છે. તેમણે કહ્યું હતું કે આ ગેંગ પોતાના બેન્ક ખાતાઓનો ઉપયોગ નથી કરતી કારણ કે તેમાં તપાસ એજન્સીઓને તેમના સુધી પહોંચવા માટેના સગડ મળી જાય છે, જે તેમને પકડાવી દઈ શકે છે.

આસામની કોરિયોગ્રાફર સુમી બોરાની શોધ

પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં મોટા મોટા માથાની સંડોવણી પણ હોઈ શકે છે. પોલીસ દ્વારા આરોપી ફૂકનના ડિબ્રૂગઢ સ્થિત ઘર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તલાશી દરમિયાન પોલીસે તેના ઘરમાંથી કૌભાંડના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પોલીસ હાલ આ કેસમાં આસામી ફિલ્મોના કોરિયોગ્રાફર સુમી બોરાની શોધ કરી રહી છે. તે પણ ફૂકનના નેટવર્ક સાથે જોડાયેલી હતી.

લોકો આવા ઠગોથી સાવધ રહેઃ સરમા

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ લોકોને ઓનલાઇન શેરબજારમાં છેતરપિંડી કરતા રોકાણથી બચવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે ઓછામાં ઓછા પ્રયાસથી પૈસાને બમણા કરવાનો દાવો સામાન્ય રીતે છેતરપિંડી કરનારા લોકોનો હોય છે. આ ઓનલાઇન ટ્રેડિંગ ફર્મ મારફત શેરબજારમાં પૈસા રોકવાની કોઈ વ્યવસ્થા નથી. આવા કૌભાંડી તત્ત્વો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. લોકો આવા કૌભાંડીઓથી દૂર રહે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button