- વતનમાં જવા રજા માંગી ત્રણેય કેશ કાઉન્ટરમાંથી રોકડ લઈ નાસી છૂટયા
- હળવદ હાઈવે પરના બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસ આદરી
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સર જાડેજા હોટેલ આવેલી છે. જેના ખીચડી-કઢી સ્ટોલમાં 15 દિવસથી કામે આવેલા ત્રણ શખ્સો કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 51,093ની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સર જાડેજા હોટેલમાં નાસ્તા, ખાણીપીણી, થિયેટર, જમવાના અલગ-અલગ સ્ટોલ આવેલા છે. જેમાં ખીચડી-કઢીના સ્ટોલ પર સાફ-સફાઈ માટે 15 દિવસ પહેલા ત્રણ શખ્સોને કામે રાખવામાં આવ્યા હતા. આ શખ્સો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઝોજરી તાલુકાના નેગાલા ગામના રાજુ કટારા અને વિપુલ કટારા તથા અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ગલપુર ગામના સુરેશ સંજયભાઈ ખરાડી હતા. આ શખ્સોએ 15 દિવસ કામ કર્યા બાદ તેઓને વતનમાં જવુ હોઈ રજાની માંગણી કરી હતી. જેમાં તેઓને રૂ.1,500 ભાડા પેટે આપીને વતન રવાના કરાયા હતા. જયારે બીજા દિવસે ખીચડી-કઢીના સ્ટોલ પર કેશ કાઉન્ટરમાં રૂ. 51,093ની ચોરી થયાની જાણ થઈ હતી. આ શખ્સોને ફોન કરતા તેઓના ફોન પણ સ્વીચ ઓફ આવતા હતા. આથી હોટેલના મેનેજર ધ્રાંગધ્રાની શિવમ સોસાયટીમાં રહેતા અભય કીરણભાઈ પંડયાએ ત્રણેય સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે.
Source link