ઝાલાવાડના દસાડા, ચોટીલા તાલુકામાં અકસ્માતના 4 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ચોટીલામાં બાઈક ચાલક અને બે વર્ષની બાળકીનું મોત થયુ છે. જયારે દસાડામાં અજાણ્યા વ્યક્તિનું મોત થયુ છે. ચારેય બનાવમાં કુલ છને ઈજાઓ પહોંચી હતી.
દસાડાના કચોલીયા ગામે રહેતા 22 વર્ષીય ગોપાલભાઈ નરશીભાઈ દેગામા ખેતી કરે છે. ગત તા. 16મીએ રાત્રે તેઓ ટીફીન લઈને માલવણ ટોલટેકસ પાસે ભાગવા રાખેલ ખેતરે જતા હતા. ત્યારે ટોલટેકસ પાસે માલવણ તરફથી રોંગ સાઈડમાં આવતા કોઈ વાહને રસ્તા પર એક અજાણ્યા વ્યક્તિને અડફેટે લઈ ગોપાલભાઈના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે ગોપાલભાઈને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની બજાણા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એમ.બી.વીરજા ચલાવી રહ્યા છે. જયારે મુળ મધ્યપ્રદેશના દિનેશભાઈ તારાચંદ આલવે મોરબીના કારખાનામાં મજુરી કરે છે. ગત તા. 31-10ના રોજ સાંજે તેઓ ઈકો કાર લઈને વતન એમપી જતા હતા. જેમાં પત્ની બારકીબાઈ, 10 વર્ષનો પુત્ર દીપક, 8 વર્ષની પુત્રી દીપાલી અને 6 વર્ષીય પુત્રી દીવ્યા તેમની સાથે હતા. ત્યારે ચોટીલા પાસે ચાણપાનો પુલ ઉતરતા દિનેશભાઈએ અચાનક કાર પરથી કાબુ ગુમાવી રસ્તાની સાઈડમાં પલટી મારી નજીક આવેલા ઈંટોના ભઠ્ઠા સાથે કાર અથડાવી હતી. જેમાં દિનેશભાઈ અને બારકીબાઈને ઈજા થઈ હતી. જયારે 6 વર્ષીય પુત્રી દિવ્યાનું મોત થયુ હતુ. બનાવની તા. 18-11ના રોજ સાંજે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા વીમલભાઈ છબીલભાઈ સંઘવી ડ્રાઈવીંગ કરે છે. ગત તા. 16મીએ સાંજે તેઓ ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર્સ એબ્યુલન્સમાં ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાંથી દર્દીને લઈને અમદાવાદની હોસ્પિટલ જતા હતા. જેમાં તેમની સાથે નર્સીંગ સ્ટાફ તરીકે સુનીલભાઈ ગણપતભાઈ માલકીયા અને હેલ્પર તરીકે દિવ્યેશસીંહ રાઠોડ હતા. માલવણ પાસે પહોંચતા આગળ જતા ડમ્પરના કોઈપણ સાઈડ આપ્યા વગર જમણી બાજુ ડમ્પર વાળતા એમ્બ્યુલન્સ સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં એમ્બ્યુલન્સને નુકશાન થયુ હતુ. જયારે વીમલભાઈ સહિત ત્રણેયને ઈજાઓ થઈ હતી. બનાવની બજાણા પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત રાજકોટમાં રહેતા વિજયભાઈ વિનુભાઈ મકવાણા ગત તા. 4થીએ બાઈક લઈને ચોટીલાના સુરૈઈથી લાખણકા તરફ આવતા હતા. ત્યારે લાખણકા વીજ સ્ટેશન પાસે એક રિક્ષા ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં વિજયભાઈને ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જયાં તેઓનું અવસાન થયુ છે.
Source link