AMC દ્વારા રૂ. 36 કરોડના ખર્ચે એરપોર્ટ સર્કલથી તલાવડી સર્કલ ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. AMC દ્વારા હયાત 60 મી.નો રોડ 90 મી. પહોળો કરીને તૈયાર કરવા માટે એરપોર્ટની જમીન અને તાજ ઉમેદ હોટલની સામે આવેલ સરદારનગર ટાઉનશિપ હેઠળ નોન TP ગામતળમાં બાંધકામો કપાત કરીને જમીન સંપાદિત કરાઈ હતી.
આમ, કપાતમાં લેવાયેલ મિલકતના માલિકોને રૂ. 4.51 કરોડ જેટલુ વળતર ચૂકવવા અથવા TDR/FSIનો લાભ આપવાનું નક્કી કરવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે. કપાતમાં ગયેલ મિલકત અંગે ચૂકવાના થતા વળતર નક્કી કરવા માટે સરકારી એપ્રુવ્ડ વહીવટદારની નિમણૂંક કરાઈ છે. સરદારનગર ટાઉનશિપ સરકારશ્રીની માલિકીની હોવાથી ટાઉનશિપ મિલકતોના માલિકોએ સક્ષમ સત્તાનું NOC રજૂ કરવાનું રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આઈકોનિક રોડ બનાવવા માટે કપાતમાં ગયેલ 13 મિલકતોના માલિકોને TP-67માં વળતર અથવા મળવાપાત્ર TDR/FSIનો લાભ આપવાનું નક્કી કરાયું છે. આ રોડ માટે સરદારનગર વોર્ડમાં 10 અને હાંસોલમાં 1,564.02 ચો.મી. બાંધકામની જગ્યા અને 3,305.53 ચો.મી. ખુલ્લી જગ્યા સહિત કુલ 4,869.55 ચો.મી. કપાતમાં લેવાઈ હતી. AMC દ્વારા નિયુક્ત વહીવટદારે કપાતમાં ગયેલ મિલકતના માલિકો માટે કુલ રૂ. 10 કરોડ, 35 લાખથી વધુ રકમ નક્કી કરી છે અને તે પૈકી સર્વે નં.- 375ની મિલકતમાં 397 ચો.મી. જગ્યા માટે TDRનો લાભ લીધો હોવાથી રૂ. રૂ. 2 કરોડ, 73 લાખથી વધુ રકમ અને સંપાદિત કરાયેલ 380.14 ચો.મી. જમીન માટે ચો.મી. દીઠ રૂ. 81,500ના ભાવ મુજબ રૂ. 3 કરોડ, 9 લાખ સહિતની રકમ બાદ કરતાં AMCએ રૂ. 4 કરોડ, 51 લાખથી વધુ વળતર ચૂકવવાનું થાય છે. જોકે, અન્ય મિલકતોના TDR/FSIનો લાભ લીધો હશે તો તેની ગણતરી કરતાં ચૂકવવાની થનાર રકમમાં ઘટાડો થવાની શક્યતા છે.
કુલ 1,590.75 ચો.મી. ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ
આઈકોનિક રોડ તૈયાર કરીને જાન્યુઆરીમાં ખુલ્લો મૂકાયો હતો. આમ, રોડ કપાતમાં ગયેલ હોટલ, નાસ્તાની દુકાનો સહિત કોમર્શિયલ મિલકતના માલિકોએ 11 મહિનામાં એકથી બે માળનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાથી તેમને નોટિસ અપાઈ છે. અગાઉ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ધરાવનાર કોમર્શિયલ મિલકતોની 371.14 ચો.મી. જગ્યા કપાતમાં ગઈ હતી અને મળવાપાત્ર TDR/FSI 210.53 હતી. પરંતુ રહેણાંક્ અને કોમર્શિયલ મિલકતોના માલિકોએ 1,590.75 ચો.મી. ગેરકાયદે બાંધકામ કર્યું છે અને તે બદલ તેમને નોટિસો આપવામાં આવી છે. સ્થાનિક રાજકારણીઓના આશિર્વાદથી ગેરકાયદે બાંધકામ થઈ ગયા હોવાનું માનવામાં આવતું હોવાથી રાજકીય અગ્રણીઓને સાથે રાખીને મીટિંગ યોજાઈ હતી.
Source link