તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં મોડી રાત્રે સામાન્ય બાઈક ચાલક સાથે થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર હિંસામાં ફેરવાઈ ગઈ હતી. ખટીક ફળિયા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે આડેધડ પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તા પરથી પસાર થતા બાઈક ચાલક સાથે સ્થાનિક યુવકોની નજીવી તકરાર થઈ હતી, પરંતુ થોડી જ વારમાં બંને પક્ષના ટોળા લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પથ્થરમારાના કારણે વિસ્તાર રણમેદાન સમાન બની ગયો હતો.
હિંસક ટોળાએ જાહેર અને ખાનગી મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પાર્ક કરેલી બાઈકો તેમજ ફોર-વ્હીલર વાહનોના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક મહારાષ્ટ્રના નંદરબાર હોસ્પિટલમાં રિફર કરાયા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે રાત્રે જ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હિંસક તત્વોને કાબૂમાં લીધા હતા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે SRP સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેલને પણ સતર્ક રાખવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


Leave a Comment