- સાઉદી પ્રો લીગમાં રમવા માટે સાઉદી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી પાંચ વર્ષનો કરાર ઓફર કરાયો
- વિનિસિયસ ઓફર સ્વીકારી લે તો તેને વાર્ષિક 1,845 કરોડ રૂપિયા ફી પેટે મળશે
- 24 વર્ષીય જુનિયર બ્રાઝિલનો ફૂટબોલર છે,તે સ્પેનિશ લીગ લા લીગામાં રિયાલ મેડ્રિડ માટે રમે છે
રમતગમતમાં નાણાંની વાત આવે ત્યારે સૌ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગનો જ ઉલ્લેખ થાય છે. કહેવાય છે કે આઇપીએલમાં પૈસાનો વરસાદ થયા છે. પરંતુ ફૂટબોલ જેવી અન્ય રમતોની તુલનામાં ક્રિકેટમાં મળતા પૈસા કેટલા ઓછા છે તે વાતનો અંદાજ વિનિસિયસ જુનિયરને મળેલી ઓફરથી લગાવી શકાય છે.
સાઉદી અરબની એક ફૂટબોલ ક્લબે બ્રાઝિલના આ ફૂટબોલ ખેલાડી વિનિસિયસ જુનિયરને પોતાના માટે રમવા માટે સો કે બસ્સો નહીં પરંતુ માતબર 9,200 કરોડ રૂપિયાની ઓફર કરી છે. 24 વર્ષીય જુનિયર બ્રાઝિલનો ફૂટબોલર છે. તે સ્પેનિશ લીગ લા લીગામાં રિયાલ મેડ્રિડ માટે રમે છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર વિનિસિયસ જુનિયરને સાઉદી પ્રો લીગ (એસપીએલ)માં રમવા માટે તગડી ઓફર મળી છે. સાઉદી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે વિનિસિયસને પાંચ વર્ષના કરાર માટે એક અબજ યૂરો (લગભગ 9,225 કરોડ રૂપિયા)ની અધધ રકમની ઓફર કરી છે. એટલે કે જો વિનિસિયસ આ ઓફરનો સ્વીકાર કરી લે તો તેને વાર્ષિક 1,845 કરોડ રૂપિયા ફી પેટે મળશે.
ફિફા વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા પણ પ્રસ્તાવ
વિનિસિયસ જુનિયરને તે ઉપરાંત 2034માં આયોજિત થનારા ફિફા વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટેની ઓફર પણ મળી છે. જોકે, તેના વિશે વધારે માહિતી સામે આવી નથી અને ન તો આ વાતની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે તેના માટે તેને કેટલી રકમની ઓફર કરવામાં આવી છે. વિનિસિયસ જુનિયર તરફથી પણ આ મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની ટીમનું કહેવું છે કે આ લલચામણો પ્રસ્તાવ છે પરંતુ તેની શરતોને ધ્યાનથી વાંચવી જરૂરી છે.
હજુ સુધીમાં નેમારને સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે
સાઉદી અરબની કોઈ ફૂટબોલ ક્લબનો અત્યાર સુધીનો સૌથી મોંઘોદાટ કોન્ટ્રાક્ટ નેમાર સાથે રહ્યો છે. સાઉદી અરબની ક્લબ અલહિલાલે બ્રાઝિલના જ ખેલાડી નેમારને 90 મિલિયન યૂરો (8,300 કરોડ રૂપિયા) ચૂકવીને પોતાની સાથે જોડયો હતો. જોકે, નેમાર આ ક્લબની ટીમ માટે માત્ર ત્રણ મેચ જ રમી શક્યો હતો. હવે આટલી જંગી રકમ સામે આઇપીએલની વાત કરીએ તો આ લીગના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને 25 કરોડ રૂપિયા કરતા પણ ઓછી રકમ મળે છે.તેનો એક વર્ષનો કરાર 24.75 કરોડ રૂપિયાનો છે.
Source link