GUJARAT

Viramgam: ગૌચર પરથી બાવળ હટાવી 4 તળાવનું નિર્માણ કરી હરિયાળી પાથરી

  • વિરમગામ શહેરની 150 વર્ષ જૂની ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા દ્વારા 200 એકર જમીનમાં વૃક્ષોના ઉછેરનું કાર્ય શરૂ કરાયું
  • ગૌસંવર્ધન સાથે વિકાસલક્ષી માર્ગદર્શન આપવા તેમજ પર્યાવરણની જાળવણી માટે પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન
  •  વૃક્ષારોપણ સહિત ત્રણ વર્ષ સુધી માવજત માટે રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રામ સંસ્થાને કામગીરી સોંપાઈ છે

અમદાવાદ જિલ્લાના તાલુકા વડા મથક વિરમગામ શહેરમાં દોઢસો વર્ષ જુની શ્રી વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા કાર્યરત છે.

સંસ્થાને આત્મનિર્ભર બનાવવા સાથે અહીંયા આશ્રાય લેતા પશુધનની સુખાકારી માટે ટ્રસ્ટી ગણે કમરકસતા તાજેતરમાં સંસ્થાની બંજર બનેલી 1200 એકર અંદાજિત (1800 વિઘા) ગૌચર જમીન તેમજ આ જમીનમાં ચારસો એકર જેટલી જમીનમાં થયેલા વર્ષોના દબાણો દબાણ કરનાર ખેડૂતોને સમજાવી પરત મેળવી નવપલ્લવિત કરાતા ધરતી માતાએ લીલાછમ ઘાસની ચાદર ઓઢતા હરિયાળી બની છે. જેથી જીવદયા પ્રેમીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

 વિરમગામ પાંજરાપોળ સંસ્થામાં વિરપુર અને ઓગણ ગામ પાસે કુલ 1200 એકર ગૌચર જમીન પશુધન માટે વર્ષો પહેલા દાન મળેલી છે. સંસ્થાનો નિર્વાહ બંને (કેન્દ્રો) વિડની આસપાસ આવેલા ગામના ગ્રામ્યજનોના સહકાર સાથે અન્ય દાતાઓ, જૈન ધર્મના ટ્રસ્ટો તેમજ સરકારી યોજના અંતર્ગત મળતી સબસિડીથી થઈ રહ્યો છે.હાલમાં સંસ્થામાં બે હજાર જેટલા ગૌવંશ, ભેંસ સહિત પશુઓ છે. પક્ષીઓ માટે સુંદર ચબુતરા ઘર છે. સંસ્થામાં વિરમગામ તાલુકા સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી આવતા પશુઓ રખાય છે.જમીનના વિકાસ સાથે પશુધનની સુરક્ષા જાળવણી માટે તાજેતરમાં બારસો એકર જમીનની ફરતે અઢી કરોડ જેટલા ખર્ચે કમ્પાઉન્ડ દીવાલ બનાવી બંજર જમીન માંથી દેશી બાવળના ઝુંડ દુર કરી ઘાસચારા માટે જમીનમાં ખેડાણ કરાયું હતુ. તેમજ પર્યાવરણની માવજત માટે અને મીઠા પાણીની જરૂરિયાત પૂરી પાડવા ચાર જેટલા તળાવો તૈયાર કરી આ વર્ષે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાઇ છે. પશુઓને છાંયડો મળે તે માટે સંસ્થા દ્વારા તાજેતરમાંજ બારસો એકર જમીનમાં લગભગ 75 લાખના ખર્ચે પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનુ ભગીરથ કાર્ય હાલમાં ચાલુ કરાયુ છે. વૃક્ષારોપણ સહિત ત્રણ વર્ષ સુધી માવજત માટે રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રામ સંસ્થાને કામગીરી સોંપાઈ છે. સમસ્ત મહાજન દ્વારા જીવદયા અને પર્યાવરણની જાળવણી માટે પ્રશિક્ષણ તાલિમ શિબિરનું આગામી તા. 23મીથી તા. 25મી ઓગષ્ટ દરમિયાન આયોજન થયુ છે. જે અંતર્ગત વિરમગામ પાંજરાપોળમાં તા.24મી ઓગષ્ટ શનિવારે વિરપુર વિડમાં સવારે 7થી 11 કલાક તેમજ ઓગાણ વિડમાં 11થી 1 કલાક સુધી જાહેર કાર્યક્રમ યોજાનાર છે. સમસ્ત મહાજન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પણ આમંત્રણ અપાયુ છે. જાહેર કાર્યક્રમમાં ગૌ સંવર્ધન સાથે વિકાસલક્ષી માર્ગદર્શન માટે ગૌ સેવા ગતિવિધિ અખિલ ભારતીય સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા અને સંઘના પર્યાવરણ પ્રમુખ ગોપાલ આર્યા ઉપસ્થિત રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button