ગુજરાત યુનિવર્સિટીમાં બે વર્ષ પહેલાં જાહેર કરેલી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા જ અભેરાઈએ ચડાવી દેવાઈ છે. અંદાજે 140 જેટલી જગ્યાની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂની તારીખો પણ જાહેર કરી દેવાઈ હતી, પરંતુ સરકારમાં ફરિયાદો ઊઠતા પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ હતી.
એ પછી નવા નિમાયેલા કુલપતિ દ્વારા અન્ય રાજ્યના અને નિવૃત્ત થયેલા અધિકારી-કર્મીઓની કરાર આધારીત ઊંચા પગારથી નિમણૂકો આપવાનો દોર શરૂ કર્યો છે, પરંતુ કાયમી ભરતી અંગે કોઈ જ નિર્ણય લેવાતો ન હોવાના આક્ષેપ થયા છે.
યુનિવર્સિટી દ્વારા બે વર્ષ પહેલાં વહીવટી સહિતની 100 અને શૈક્ષણિકની અંદાજે 40 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી વર્ષ 2022માં અરજીઓ મગાવવામાં આવી હતી. કેટલીક જગ્યાઓ માટે પરીક્ષા યોજવાનું પણ નક્કી કરાયું હતું. આ માટે અલગથી રૂપિયા પણ ઉઘરાવવામાં આવ્યા હતા. જોકે, ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ભારે વિવાદના કારણે સમગ્ર કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ચૂંટણીની આચારસંહિતા અને કુલપતિની મુદત પુરી થવા સહિતના કારણોસર લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા શરૂ થઇ શકી નહોતી. જોકે એ પછી વર્તમાન કુલપતિએ બોર્ડની રચના થયા પછી કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડની રચના થયાના એક વર્ષ પછી પણ હજુ સુધી ભરતી માટે કોઇ કાર્યવાહી હાથ ધરી નથી.
Source link