પાટડીની સહકારી મંડળી અને ડિસ્ટ્રીકટ બેંકના બે કર્મીઓએ ખેડૂતો સાથે રૂ. 50,81,166ની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં બેંકના બે કર્મીઓએ ખોટા દસ્તાવેજ ઉભા કરી પાક ધીરાણની લોન લઈ લીધી હોવાનું જણાવાયુ હતુ. આ કેસનો ફરાર આરોપી બેંકનો કર્મી સવા વર્ષે પોલીસના હાથે પકડાયો છે.
પાટડી ગ્રુપ ઓફ કો.ઓ.મલ્ટી પર્પઝ લિ.ના કર્મી ચેલાજી મણાજી ઠાકોરે ખેડૂતોના પાક ધીરાણની રૂ.17,16,955ની રકમ બેંકમાં જમા કરાવી ન હતી. તેઓએ પોતાની સહી સાથે ખેડૂતોને જમા રકમની પહોંચ પણ આપી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ બેંકના કર્મી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્ટુભાઈ રણજીતસિંહ ભાટી અને જયદેવસિંહ મનહરસિંહ પરમારે ખેડૂતોના ખોટા દસ્તાવેજ ઉભા કરી, ખોટી સહીઓ કરી પાક ધીરાણની લોન લઈ રૂ. 28,25,000 ઉપાડી લીધા હતા. ખેડૂતોને આ પાક ધીરાણની બાકી લોન બાબતે ફોન આવતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. આ ઉપરાંત મંડળીના કર્મી ચેલાજીએ રૂ. 5,39,211ની રકમ બેંકમાં જમા નહીં કરાવી હાથ પર રાખી હતી. મંડળીના સભાસદ અને સુરજપુરાના ખેડૂત 73 વર્ષીય ગોરધનભાઈ ઉકાભાઈ પટેલે તા. 20-9-23ના રોજ પાટડી પોલીસ મથકે ત્રણેય સામે કુલ રૂ. 50,81,166ની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસ ફરાર આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્ટુભાઈ રણજીતસિંહ ભાટી લીંબડી-રાજકોટ હાઈવે પર બોડીયા ગામના પાટીયા પાસે હોવાની વિગતો પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પીએસઆઈ આર.એચ.ઝાલા, શકિતસીંહ સહિતની ટીમે વોચ રાખી સવા વર્ષથી ફરાર લીંબડીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્ટુભાઈ રણજીતસિંહ ભાટીને ઝડપી લીધો હતો. આ શખ્સને પાટડી પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Source link