જેતપુર નગરપાલિકા શહેરના સરધારપુર રોડ પર ઈદ મસ્જીદ ધાર વિસ્તારમાં આવેલા એક તળાવનું બ્યુટીફીકેશન કરી રહી છે. 6.75 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. ત્યારે તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ, વોકિંગ પથ, બાંકડાઓ, રંગબેરંગી ફુવારા તેમજ લાઈટિંગથી સુશોભન કરવામાં આવશે.
35 જેટલા મકાનોને ખાલી કરવાની નોટિસ આપી
આ માટે નગરપાલિકા દ્વારા કામની શરુઆત કરી દેવામાં આવી છે, જેમાં પ્રોટેક્શન વોલ ઈદ મસ્જીદ ધારની પાસે આવેલા મકાનોએ આવીને અટકી ગઈ છે. આ પ્રોટેશન વોલ એકદમ સ્ટેટ બનાવવાની હોય તેમાં અડચણરૂપ 35 જેટલા મકાનોને ખાલી કરવાની સાતમા મહિનામાં નોટીસ આપવામાં આવી હતી. મકાન ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ સ્થાનિક લોકોએ લાગતા વળગતા સત્તાધીશોને અસંખ્યવાર રજુઆત કરી કે, તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં મકાનો બનાવીને પરિવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જેમાં તેઓ નગરપાલિકાના તમામ પ્રકારના વેરાઓ ભરે છે, વીજ વિભાગે તેઓને લાઈટ પણ આપી છે તેનું વિજબીલ પણ તેઓ નિયમિત ભરે છે.
તમામ રાજકીય આગેવાનોને રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નહીં
નગરપાલિકાએ તેઓને શૌચાલય, પાકા રસ્તા, ગટરો અને નલ સે જલ યોજના અંતર્ગત નળ પણ આપ્યા છે. એટલે અમો અહીં વસીએ છીએ તેમાં ક્યારેય નગરપાલિકાએ અથવા તો રેવન્યુ વિભાગે ક્યારેય અવરોધ ઉભો નથી કર્યો, જેને કારણે મોટાભાગના લોકોએ કાળી મજૂરીમાંથી બચત કરીને પાકા મકાનો બનાવી લીધા છે. આમ, જ્યાં વર્ષોથી આ શ્રમિકો પરીવાર સાથે વસવાટ કરતા હતા, તે મકાનો ખાલી કરવાની અચાનક નોટીસ મળતાં તેઓ ઉપર આભ ફાટી પડ્યું છે અને માથા પરથી છત છીનવાઈ જશે તો જઈશું ક્યાં ? તેવી ચિંતાએ નથી તેઓ જમી શકતા કે નથી ઉંઘી શકતાં અને તમામ રાજકીય આગેવાનોને રજુઆતના અંતે પણ નિરાશા જ સાંપડી.
નગરપાલિકા પાસે પ્લોટ કે મકાન આપવાની કોઈ યોજના નહીં
જેથી ઈદ મસ્જીદ ધાર વિસ્તારના ભોગગ્રસ્ત શ્રમિકો દ્વારા આજે શહેરના જીમખાના મેદાનમાંથી એક ભાજપ સરકાર હાય હાય નારા લગાવતા એક રેલી યોજીને મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અને માગ કરી હતી કે તળાવની પ્રોટેક્શન વોલ થોડી વાળી દેવામાં આવે, જેથી તેઓના મકાનો બચી જાય અથવા તો તેઓને મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું કે તળાવના ડેવલોપમેન્ટ કામની બાઉન્ડ્રીના હદ વિસ્તારમાં 30 જેટલા મકાનો આવે છે, તેઓને મકાન ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી છે અને તેઓ ભવિષ્યમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો લાભ લઈ શકે છે, નગરપાલિકા પાસે તેઓને પ્લોટ કે મકાન આપવાની કોઈ યોજના નથી.
Source link