ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પધ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.
પ્રાકૃતિક ખેતી કરીને અઢળક આવક મેળવી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરીગઢ ગામના ખેડૂત જયંતીભાઈ નાનજીભાઈ પ્રજાપતિ વર્ષ ૨૦૧૨થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ જણાવે છે કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેમાં આજે મબલખ ઉત્પાદન મળી રહ્યું છે. સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે. તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. તેઓએ પોતાની ૩ એકર જમીનમાં મકાઈ, મગફળી, ઘઉં, મેથી અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું અને સારા બજારભાવ પણ મેળવ્યા છે. તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક ૪ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે.
પંચસ્તરીય મોડેલ ફાર્મ
તેમણે પોતાના ખેતરમાં સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ આંબા,ચીકુ, નારિયેળી અને લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરીને અઢળક ઉત્પાદન મેળવે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે.
Source link