Cockroach Janta Party Row: સોશિયલ મીડિયા પર અત્યારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ખૂબ ચર્ચામાં છે અને તેને લઈને એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોઈનું પણ નામ લીધા વિના આ ઓનલાઈન આંદોલન પર નિશાન સાધ્યું છે. તેમણે ઈશારો કર્યો છે કે આ પ્લેટફોર્મને જે મોટું સમર્થન મળી રહ્યું છે, તેની પાછળ પાકિસ્તાન અને અમેરિકાના અબજોપતિ જોર્જ સોરોસની ગેંગનો હાથ છે. રિજિજુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, જે લોકો પાકિસ્તાન અને ભારત વિરોધી ગેંગની મદદથી પોતાના ફોલોઅર્સ વધારે છે, તેમના પર મને દયા આવે છે. ભારત પાસે પોતાના જ એટલા ઉત્સાહી યુવાનો છે, જેઓ સાચા અને મૂલ્યવાન ફોલોઅર્સ બની શકે છે.
સ્થાપક અભિજીત દીપકેએ ડેટા સાથે કર્યો પલટવાર
કેન્દ્રીય મંત્રીના આ ગંભીર આરોપો બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરીને આકરો પલટવાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે આ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પેજના દર્શકોનો ડેમોગ્રાફિક ડેટા છે, જેને એકાઉન્ટ હેક થતાં પહેલા મીડિયા સાથે પણ શેર કરવામાં આવ્યો હતો. દીપકેએ મંત્રી કિરેન રિજિજુને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો કે, આ ડેટા અનુસાર અમારા 94 ટકાથી વધુ ફોલોઅર્સ અને દર્શકો માત્ર ભારતમાંથી જ છે, તો પછી એક કેન્દ્રીય મંત્રી દેશના સામાન્ય યુવાનોને પાકિસ્તાની હોવાનો ટેગ કેમ લગાવી રહ્યા છે?
સીજેઆઈની ટિપ્પણીમાંથી આ રીતે શરૂ થઈ આ ‘પાર્ટી’
માત્ર એક જ અઠવાડિયામાં દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પેજીસમાંથી એક બની ગયેલા આ ઓનલાઈન આંદોલનની શરૂઆતની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા વકીલોના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક મૌખિક ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ’ અને ‘પરજીવી’ જેવા શબ્દો વાઇરલ થયા હતા.
જોકે, પાછળથી સીજેઆઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિવેદન માત્ર ખોટી ડિગ્રીઓ લઈને વકાલતમાં આવતા નકલી લોકો સામે જ હતું અને મીડિયાના એક વર્ગે તેમના નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કર્યું છે. પરંતુ આ વિવાદનો લાભ લઈને સોશિયલ મીડિયા કેમ્પેઈનર અભિજીત દીપકેએ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે એક વ્યંગ્યાત્મક (સેટાયરિકલ) પેજ બનાવી દીધું, જે જોતજોતામાં દેશના યુવાનોમાં બેરોજગારી, પરીક્ષાઓનું દબાણ અને ભરતી પ્રક્રિયાની ગેરરીતિઓ સામે વિરોધનું મોટું પ્લેટફોર્મ બની ગયું.
NEET વિવાદ અને એકાઉન્ટ બ્લોક થવાના ગંભીર આક્ષેપો
મેડિકલ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક વિવાદ દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓના ગુસ્સાને વાચા આપતા આ પેજની લોકપ્રિયતા આકાશ આંબી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના ફોલોઅર્સની સંખ્યા થોડા જ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સત્તાવાર એકાઉન્ટ કરતાં પણ વધી ગઈ હતી.
જોકે, અભિજીત દીપકેએ હવે સરકાર અને અન્ય એજન્સીઓ પર આ આંદોલનને દબાવવાનો મોટો આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે કોકરોચ જનતા પાર્ટીનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ, તેમનું પર્સનલ એકાઉન્ટ અને X હેન્ડલ ક્યાં તો હેક કરી લેવાયા છે અથવા ભારતમાં બ્લોક કરી દેવાયા છે. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે એક ઓનલાઈન પિટિશન શરૂ કરી હતી, જેમાં 10 લાખથી વધુ લોકો જોડાયા હતા અને 6 લાખ લોકોએ સહી કરી હતી, જેના તુરંત બાદ તેમની વેબસાઈટ બંધ કરી દેવાઈ અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.
આ પણ વાંચો: મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી
કોણ છે પડદા પાછળના માસ્ટરમાઇન્ડ અભિજીત દીપકે?
આ આખા ડિજિટલ આંદોલનને જન્મ આપનારા અભિજીત દીપકે મૂળ ભારતીય છે અને હાલ અમેરિકાના બોસ્ટનમાં રહીને અભ્યાસ કરે છે. તેઓ એક પૂર્વ સોશિયલ મીડિયા કેમ્પેઈન વર્કર છે, જેમણે વર્ષ 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના ડિજિટલ પ્રચાર માટે પણ કામ કર્યું હતું. હાલમાં તેમના મુખ્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ થઈ ગયા હોવા છતાં, તેમણે ‘Cockroach is Back’ નામે એક નવું બેકઅપ એકાઉન્ટ બનાવીને યુવાનોના મુદ્દે પોતાની આ ઓનલાઈન લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.


Leave a Comment