![]()
મુંબઈ : પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ દેશમાં વાહનોના વેચાણમાં મે મહિનામાં મજબૂત વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ સાથે વેચાણ આંક ૨૫,૩૧,૦૬૭ રહ્યો છે.
કોઈ મે મહિનામાં ઊતારુ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટ્રેકટર માટે અત્યારસુધીનો આ શ્રેષ્ઠ વેચાણ આંક રહ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.
સમાપ્ત થયેલા મહિનામાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૭.૫૦ ટકા વધારો થઈને ૧૮,૪૪,૯૪૭ રહ્યું છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ૨૩.૨૫ ટકા વધી ૪,૦૨,૫૯૧ રહ્યું છે. થ્રી વ્હીલર્સનું વેચાણ ૩.૫૫ ટકા વધી ૧,૧૧,૫૨૬ તથા ટ્રેકટર્સનું વેચાણ ૧૧.૧૫ ટકા વધી ૮૩૦૯૨ એકમ રહ્યાનું પણ ફાડાના ડેટામાં જણાવાયું હતું.
હીટવેવની સ્થિતિ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો તથા પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે પણ વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ઊતારૂ વાહનોના વેચાણમાં ગ્રામ્ય સ્તરે ૩૦ .૩૫ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૧૮.૮૦ ટકા વધારો થયો છે.
વાહનોના એકંદર વેચાણમાં વીજ સંચાલિત વાહનોના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વીજ વાહનોનો હિસ્સો પહેલી જ વખત દ્વીઅંકને પાર કરી ૧૧ ટકા રહ્યો છે.
કૃષિ ક્ષેત્રની સારી કામગીરીને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં ૧૧.૧૫ ટકા વૃદ્ધિ જોવા મળી છે. મેમાં ઊતારૂ વાહનોની ઈન્વેન્ટરી એપ્રિલના ૨૮-૩૦ દિવસની સરખામણીએ સહેજ વધી ૩૧-૩૩ દિવસ રહી હતી.
ટૂંકા ગાળાના આઉટલુકના દ્રષ્ટિકોણથી ૫૦ ટકાથી વધુ ડીલરો વેચાણમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે ૪૦ ટકા સ્થિરતા જોઈ રહ્યો છે અને ૯.૫૦ ટકા ઘટાડો થવાની શકયતા ધરાવી રહ્યા હોવાનું પણ ફાડાના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Leave a Comment