ભારતમાં એક વ્યક્તિએ એવી અનોખી ટેક્નોલોજી વિકસાવી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ વ્યક્તિએ પોતાના હેલમેટને કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ બનાવી તેને ટ્રાફિક પોલીસના ડિવાઇસમાં ફેરવી દીધું છે. ખાસ વાત એ છે કે આ હેલમેટ ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોનું માત્ર વીડિયો રેકોર્ડિંગ જ નથી કરતું, પરંતુ તેમનો રિપોર્ટ પણ સીધો ટ્રાફિક પોલીસ સુધી મોકલે છે.
આ હેલમેટ બેંગલોરમાં તૈયાર કરવામાં આવ્યું છે. રસ્તા પર જો કોઈ બાઈક કે કાર ચાલક બેદરકારીથી ડ્રાઇવિંગ કરે છે અથવા ટ્રાફિક નિયમો તોડે છે, તો હેલમેટમાં લાગેલો કેમેરા તેનો વીડિયો કૅપ્ચર કરે છે. સાથે જ તેમાં લાગેલી સંપૂર્ણ સિસ્ટમ આ માહિતી ટ્રાફિક વિભાગ સુધી પહોંચાડે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ્સ મુજબ, હેલમેટમાં કેમેરા, સેન્સર અને AI આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AI સિસ્ટમ રસ્તા પર થતાં નિયમભંગને ઓળખે છે અને તે વાહનની વિગતો સાથે રિપોર્ટ જનરેટ કરે છે. હેલમેટ પહેરનાર વ્યક્તિ વાહન સ્ટાર્ટ કરે છે તે સાથે જ AI એજન્ટ પણ સક્રિય થઈ જાય છે.
X (પૂર્વે Twitter) પર આ હેલમેટ વિશે માહિતી શેર કરતા યુઝર્સે જણાવ્યું છે કે તેઓ રસ્તા પર નિયમ ન માનનારા લોકોથી કંટાળી ગયા હતા. અકસ્માતો વધતા જતા હોવાથી તેમણે પોતાના હેલમેટને જ ટ્રાફિક મોનીટરીંગ ડિવાઇસમાં ફેરવવાનો નિર્ણય લીધો.
આ પોસ્ટ થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગઈ હતી. અનેક યુઝર્સે આ પહેલને સરાહનીય અને ઉપયોગી ગણાવી છે. લોકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમો ન માનનારા લોકોના કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો શિકાર બને છે, અને આવી ટેક્નોલોજી રસ્તા સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


Leave a Comment