વઢવાણ તાલુકાના કટુડા ગામ પાસે નર્મદા વિભાગ દ્વારા 10 વર્ષ અગાઉ માઈનોર કેનાલ બનાવી છે. પરંતુ કેનાલ બનાવ્યા પછી તંત્ર તેને ભુલી જ ગયુ હોય તેમ એકપણ વાર કેનાલમાં પાણી છોડાયુ નથી. ત્યારે હાલ કેનાલમાં બાવળ અને ઝાંખરા ઉગી નીકળ્યા છે. આથી કેનાલની સફાઈ કરી તેમાં રવી સીઝન માટે પાણી છોડવા ખેડુતોએ માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલનું વિશાળ નેટવર્ક પથરાયેલુ છે. પરંતુ અધીકારીઓની મનમાનીને લીધે અમુક કેનાલોમાં પાણી જ છોડવામાં નથી આવતુ. ત્યારે આવી જ દશા હાલ વઢવાણ તાલુકાના કટુડા પાસે આવેલ માઈનોર કેનાલની છે. આ માઈનોર કેનાલ અંદાજે 10 વર્ષ પહેલા તંત્ર દ્વારા બનાવાઈ હતી. પરંતુ આ કેનાલ બન્યા બાદ તંત્ર તેમાં પાણી છોડવાનું જ ભુલી ગયુ છે. 10 વર્ષના વહાણા વીત્યા છતાં હજુ સુધી એકપણ વાર તેમાં પાણી છોડવામાં આવ્યુ નથી. આ કેનાલમાં જો પાણી છોડાય તો કટુડા ઉપરાંત રાજચરાડી, સીતાપુર સહિત પાંચથી છ ગામોના ખેડુતોને ફાયદો થાય છે. કેનાલમાં પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલ અમુક જગ્યાએ તુટી ગઈ છે. આ ઉપરાંત કેનાલમાં બાવળો અને ઝાંખરા ઉગી નીકળ્યા છે. ગુરૂવારે કટુડાના ખેડુતો શકિતસીંહ ઝાલા, શંકરભાઈ, કાળુભાઈ, અજયસીંહ ઝાલા સહિતનાઓ માઈનોર કેનાલે એકઠા થયા હતા. અને રવી સીઝન માટે આ કેનાલની સફાઈ કરીને તેમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.
Source link