વપરાશ ક્ષેત્રે મંદી પણ રિયાલ્ટી,ક્ષેત્રને કોરોનાની અસરમાંથી કળ વળી:વર્ષ2023 કરતાં વર્ષ2024માં સોદાવધ્યાં
2024ના વર્ષમાં ગ્રાહક વપરાશ ક્ષેત્રે ઘેરી મંદી જોવા મળી હતી પણ રીઅલ એસ્ટેટ ક્ષેત્ર હવે જાણે કોરોનાકાળના મારમાંથી બેઠું થતું હોય તેમ આ ઈન્ડસ્ટ્રીમાં વેગ આવી રહ્યો છે, એવું આંકડા જોતાં સાબિત થાય છે.
લોકોની પોતાની માલિકીના ઘર ખરીદવાની ઈચ્છા અને માંગ ઊંચી જવાથી આ ક્ષેત્રને કોવિડ-19ની અસરમાંથી કળ વળી છે. ભારતીય પ્રોપર્ટી માર્કેટે વર્ષ 2024માં પોતાની વૃદ્ધિ તરફી ગતિ જાળવી રાખી હતી. આ સાથે એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, રીઅલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં સંપત્તિઓના ભાવમાં 49 ટકાથી 132 ટકા સુધીનો વધારો થયો છે. પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ્સમાં રહેણાંક સંપત્તિના 5.77 લાખ વ્યવહારો નોંધાયા હતા. જે વર્ષ 2023ની સરખામણીએ ચાર ટકા વધુ છે. આ ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય રૂ.ચાર લાખ કરોડને વટાવી ગયું છે. જે વર્ષ 2023ની તુલનામાં વાર્ષિક ધોરણે બે ટકા વધુ છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પૂણે, થાણે, મુંબઈ, નવી મુંબઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે થયેલા સોદાઓનો આ વિશ્લેષણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2024માં એપાર્ટમેન્ટ્સ, પ્લોટ્સ અને વિલા માટે પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટમાં રજીસ્ટર થયેલા વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2025માં 3.6 લાખથી વધુ નવા બાંધકામનો કબ્જો આપવામાં આવશે. ડેવલપર્સ આશરે 300 મિલિયન ચોરસ ફૂટના કામ પૂરા કરશે. મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં નોંધાયેલા વ્યવહારોમાં 61 ટકા અને કુલ વેચાણ મૂલ્યના 69 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે, પશ્ચિમ ભારત રિયલ્ટી ક્ષેત્રે મજબૂત બળ તરીકે ઊભરી આવ્યું છે. દક્ષિણ ભારતના બેંગ્લુરુ, હૈદરાબાદે કુલ સોદામાં 25 ટકા યોગદાન આપ્યું છે. બેંગ્લુરૂમાં પ્રોપર્ટીના લગભગ 0.8 લાખ સોદાઓ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. હૈદારાબાદનું પણ મજબૂત પ્રદર્શન જારી રહ્યું હતું. એટલે કે, લોકો હવે બેંગ્લુરૂના બદલે હૈદરાબાદમાં સંપત્તિ વસાવવાનું પસંદ કરી રહ્યા છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે હૈદરાબાદની સ્થિતિ મજબૂત થઈ રહી છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ સમયે છવાયેલી મંદીમાંથી હવે ભારતીય રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ માર્કેટ બેઠું થઈ રહ્યું છે. પેન્ટ-અપ ડિમાન્ડ અને માલિકીના ઘરની મજબૂત માંગને પગલે આ ક્ષેત્રને બળ મળ્યું છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રએ અસાધારણ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. જે 2024માં સ્વાભાવિક રીતે સાધારણ થયો છે. વાર્ષિક વેચાણ પાંચ લાખ એકમોને વટાવી ગયું છે અને રૂ.ચાર લાખ કરોડથી વધુનું મૂલ્ય 2020 પહેલાની સરેરાશથી વધુ છે. જે તેની વૃદ્ધિની આગામી તરંગ માટે તૈયાર પરિપક્વ બજારને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, 2025માં અમે રહેણાંકની માંગ અને પુરવઠાની નજીકની શ્રોણીમાં વૃદ્ધિ થવાની આગાહી કરીએ છીએ. જે સ્થિર, ટકાઉ પ્રગતિ માટે સ્ટેજ સેટ કરે છે. માંગને કારણે મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધનીય છે કે, લકઝરી પ્રોપર્ટીની માંગમાં વધારાને કારણે ગુરૂગ્રામમાં 2019થી 2024 સુધીમાં સંપત્તિના ભાવમાં આૃર્યજનક રીતે 132 ટકાનો વધારો થયો છે. ગ્રેટર નોઈડા અને નોઈડાએ પણ આગામી જેવર એરપોર્ટ સાથે જોડાયેલા રસમાં વધારો થવાને કારણે ભાવમાં 67 ટકાની નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સતત માંગને કારણે મિલકતના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જ્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારતના શહેરો ટ્રાન્ઝેક્શન વોલ્યૂમમાં અગ્રેસર રહ્યા છે. ગુરૂગ્રામ જેવા શહેરોમાં કિંમતમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. શહેરની અંદરના મુખ્ય વિસ્તારોમાં પણ સંપત્તિના ભાવમાં વધારો થયો છે. 2024માં 3.9 લાખ નવા બાંધકામ શરૂ કરવામાં આવ્યા હતા.
Source link