શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અનાધિકૃત વાહનોનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી, આથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓની ટીમ દ્વારા સોમવારના રોજ વિવિધ શાળાઓમાં ઓચિંતી તપાસ હાથ ધરાશે.
ડીઈઓ કચેરીની ટીમ સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમ પણ જોડાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાળકોની સલામતીને ધ્યાને રાખી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. શહેરની વિવિધ શાળાઓમાં સેમિનાર દ્વારા પણ જાગૃતિ લાવવવામાં આવી રહી છે. તેમ છતાં હજુ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અનાધિકૃત વાહનો લઈને આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ અને ગીયર સાથેના વાહનના લાઈસન્સ માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ. શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા બાળકની વય હજુ દ્વીચક્રી વાહન ચલાવવા માટે પર્યાપ્ત હોતી નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ ગીયરવાળા વાહનો લઈને આવતા હોવાની અવારનવાર ફરિયાદ ઊઠે છે. આ સંજોગોમાં એક પ્રકારની જાગૃતતા ફેલાય એવો મેસેજ આપવા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા ઓચિંતી તપાસની ડ્રાઇવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Source link