બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સાથે વનડે અને T20 સિરીઝ રમતા જોવા મળશે. જેને લઈને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. એક તરફ ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બોલર જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, તો બીજી તરફ ફાસ્ટ બોલરની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. જે બાદ હવે આ ખેલાડી પણ બુમરાહ સાથે NCA જશે.
ઈજાગ્રસ્ત થયો આકાશ દીપ
જસપ્રીત બુમરાહ બાદ આકાશ દીપ પણ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાના કારણે આકાશ દીપ સિડની ટેસ્ટ રમી શક્યો ન હતો, આ મેચમાં તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી હતી. આકાશ દીપે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સારી બોલિંગ કરી હતી પરંતુ તે માત્ર 5 વિકેટ જ મેળવી શક્યો હતો. હવે આકાશ દીપ પણ ભારત પરત ફર્યા બાદ NCA જશે. મીડિયા રિપોર્ટ મુજબ આકાશ દીપ 9 જાન્યુઆરીથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચમાં બંગાળ તરફથી રમી શકશે નહીં.
નહીં રમી શકે રણજી ટ્રોફી
આકાશ દીપને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર 2 મેચ રમવાની તક મળી. ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પ્રથમ બે મેચમાં રમવાની તક મળી હતી. આ પછી ત્રીજી મેચમાં હર્ષિતની જગ્યાએ આકાશને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે બાદ આકાશે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં બોલિંગ કરી હતી.
આ પછી આકાશ ઈજાના કારણે પાંચમી ટેસ્ટ રમી શક્યો ન હતો. હવે આકાશ દીપ ઈજાના કારણે રણજી ટ્રોફીમાં નહીં રમે તે અંગે શંકા છે. રણજી ટ્રોફીનો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે, બંગાળની રણજી ટ્રોફીમાં હજુ 2 મેચ બાકી છે. આકાશ રણજી ટ્રોફીમાં બંગાળની ટીમ તરફથી રમે છે.