સૌરાષ્ટ્રની વિખ્યાત શિવાનંદ વીરનગર આંખની હોસ્પિટલમાં મહુવા અને રાજકોટના દર્દીઓના મોતિયાના ઓપરેશન કર્યા બાદ નવ દર્દીને આંખે દેખાવાનું બંધ થઈ ગયાની ફરિયાદ સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં રિફર કરાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતાહોસ્પિટલમાં અંધાપો સર્જાયો હોવાની શક્યતાના પગલે તાબડતોબ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે વીરનગર દોડી આવી હોસ્પિટલનું ઓપરેશન થીયેટર(OT) સીલ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
ગત 21 સપ્ટેમ્બરના રોજ મહુવાના કુબેરનાથ મંદિર ખાતે વીરનગર શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાંથી 21 દર્દીઓને મોતિયો હોવાથી વીરનગરમાં તા.23ના ઓપરેશન માટે કહેવાયું હતું. આથી આ તમામ 21 સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી તા.23ના રોજ 32 લોકોના ચાર બેડમાં ચાર ડોક્ટર દ્વારા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.જો કે, તા. 24ના 50, તા.25 ના 65 અને તા.26ના 67 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાંથી એક પણ દર્દીઓને કોઈ અસર થઈ ન હતી. માત્ર 23 તારીખે કરવામાં આવેલ ઓપરેશનમાં જ ખામી આવી હતી.
ઓપરેશન બાદ તમામ દર્દીઓને એક દિવસ હોસ્પિટલમાં રખાયા હતા. બાદમાં તા. 24ના રોજ દર્દીઓની આંખનું ડ્રેસિંગ કરતા 10 દર્દીઓએ ફરિયાદ કરી હતી.તબીબી સુત્રોએ જણાવ્યું હતું કે, તમામ દર્દીઓની આંખમાં ઈન્ફેક્શન લાગતા ત્રણ દિવસ વિરનગરમાં રાખવામાં આવ્યા બાદ શુક્રવારે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતા ચાર દર્દીઓની આંખમાં વધુ ઈન્ફેક્શન હોવાથી તેઓને આંખે દેખાવાનું બંધ થઈ ગયાની ફરિયાદ કરી છે. જ્યારે અન્ય પાંચ દર્દીઓને સામાન્ય તકલીફ છે. રાજકોટ સિવિલમાં બે દિવસની સારવાર કરાયા બાદ આજે શનિવારે તમામ 9 દર્દીને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના એક 53 વર્ષના દર્દીએ અમદાવાદ હોસ્પિટલમાં જઈ આ ફરિયાદ કરતા ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ તાબડતોબ વિરનગર દોડી આવી ઓપરેશન થીયેટર સીલ કરી દીધું છે.
Source link