- એસ્ટેટમાં ભ્રષ્ટાચારને ડામવા SOPનો અમલ કરવામાં આવશે
- 10% કેસ રેન્ડમલી સિલેક્ટ કરી રિજેક્શનનાં કારણો સંદર્ભે રિજેક્શન રિવ્યૂ સિસ્ટમ ગોઠવી
- એલોકેશન થયેલ વોર્ડમાં મંજૂર થયેલ પ્લાનના સાપેક્ષમાં સ્થળ ચકાસણીની કાર્યવાહી
તાજેતરમાં રૂ. 20 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાયેલા અને સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ઝોનના આસિ. TDO હર્ષદ ભોજકની ઘટનાને પગલે હવે AMCમાં કામકાજ માટે આવતા નાગરિકો AMCના અધિકારીઓ અને કર્મચારીઓનો સંપર્ક કરી શકશે નહીં. AMCના એસ્ટટ- ટીડીઓ વિભાગમાં નોડલ ઓફિસર તરીકે જનસંપર્ક અધિકારીની નિમણૂંક કરવાની રહેશે, CCTV કેમેરા ગોઠવવાના રહેશે તેમજ દૈનિક કામગીરીનું મોનિટરિંગ કરવાનું રહેશે.
હવે BU પરમીશન આપવા અંગેની અરજીઓનો ડ્રો કરીને એસ્ટેટ – ટીડીઓ અથવા એન્જિનીયરિંગ વિભાગના અધિકારીને સ્થળ વિઝિટ કરવાની રહેશે. એલોકેશન થયેલ વોર્ડમાં મંજૂર થયેલ પ્લાનના સાપેક્ષમાં સ્થળ ચકાસણીની કાર્યવાહી કરવાની રહેશે તેમજ સ્થળ ચકાસણીના રીપોર્ટ સાથે મંજૂર, નામંજૂરની ભલામણની વિગતો આપવાની રહેશે તેમજ મંજૂર, નામંજૂરના કારણો વિગતવાર દર્શાવવાના રહેશે. વોર્ડના રેન્ડમ સીલેકશનની કાર્યપધ્ધતિ ડ્રો પધ્ધતિથી ખાનગી રાહે કરવાની રહેશે, અને સ્થળ તપાસના નિશ્ચિત દિવસે જ બંધ કવરમાં ફાળવણી કરવાની રહેશે. આ હેતુસર AMC કમિશનર એમ.થેન્નારસને સરક્યુલર જારી કરીને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપી છે. AMCમાં એસ્ટેટ-ટીડીઓ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારને ડામવાની નેમ સાથે ઝોનલ કચેરીઓમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવા, નાગરિકો અને મ્યુનિ. કર્મીઓ વચ્ચે સીધો સંપર્ક બંધ કરાવવા સહિતની માર્ગદર્શિકા અને સ્થળ તપાસ અંગેની કાર્યપદ્ધતિ (SOP) અમલમાં મૂકાઈ છે.
આ સરક્યુલરમાં જણાવ્યાનુસાર, BU પરવાનગી આપવામાં આવતા ક્રોસ વેરીફીકેશન માટેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે અને તેનો દર મહિને રીપોર્ટ મ્યુનિ. કમિશનરને રજૂ કરવાનો રહેશે. BU પરમીશન સંબંધિત અરજી અંગે ના મંજૂર કરવામાં આવતા કેસો પૈકી 10% કેસ રેન્ડમલી સિલેકટ કરી જે કક્ષાએ ના મંજૂર (Reject) કરેલ હોય તે કક્ષા કરતા એક ઉપલી કક્ષાએ ના મંજૂર (Rejection) ના કારણો સંદર્ભે Rejection Review System ગોઠવવાની રહેશે અને DYMC સ્તરે તેનું દર સપ્તાહે મોનીટરીંગ કરવાનું રહેશે. દરેક ઝોનના DYMCએ એસ્ટેટ / ટી.ડી.ઓ ખાતાની દબાણ, સ્કીમ અમલીકરણ, સ્ટ્રીટ વેન્ડર, બી.યુ. પરમીશન, હાઉસીંગ મકાનની ફાળવણી, બિન અધિકૃત બાંધકામ, જાહેર ખબર વગેરે અંગે ઝોનલ રીવ્યુ કરી દર મહિને વિગતો સુપરત કરવાની રહેશે.
Source link