આવકવેરા કરદાતાની અપીલ પેન્ડીંગ હોય તેવા સંજોગોમાં બાકી લ્હેણાંની રિકવરી ના થઇ શકે એવા અવલોકન સાથે હાઈકોર્ટે આવકવેરા વિભાગને અરજદાર કરદાતાઓની તરફેણમાં બાકી રિકવરીની વસૂલાત સામે મનાઇ હુકમ ફરમાવી દીધો છે.
એટલું જ નહી, ફેસલેસ અપીલ સીસ્ટમ હેઠળ આવકવેરા કમિશનર(અપીલ્સ) સમક્ષ છેલ્લા કેટલાક વર્ષોથી દાખલ અપીલો અને તેના સતત ભરાવાને લઇ પાંચ લાખથી વધુ અપીલોનો બેકલોગ ઘટાડવા મામલે આવકવેરા વિભાગના પ્રતિસાદને લઇ ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી.
રાજયની પાંચ કરદાતા કંપનીઓ દ્વારા આવકવેરા વિભાગની ટેક્સ આકારણી સામે કમિશનર ઓફ્ ઇન્કમટેક્સ(અપીલ્સ) સમક્ષ અપીલ કરી હતી, જે છેલ્લા ચાર વર્ષોથી પેન્ડીંગ હોવા છતાં અને તેની પર કોઇ આખરી નિર્ણય નહી આવ્યો હોવા છતાં બીજીબાજુ, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા અરજદાર કંપનીઓને બાકી ટેક્સની વસૂલાત માટે દબાણ કરવામાં આવતાં આખરે કંપનીઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટના ધ્યાન પર આવ્યું હતું કે, આ પ્રકારની પાંચ લાખ જેટલી અપીલો ફેસલેસ અપીલ સીસ્ટમ હેઠળ આવકવેરા કમિશનર(અપીલ્સ) સમક્ષ પેન્ડીંગ છે અને વર્ષોથી આ અંગેના નિર્ણયોની રાહ જોવાઇ રહી છે.
Source link