- ભાજપ રાજમાં વરસાદ પછી રોડ પર દેડકાંને બદલે ખાડા અને ભુવા : વિપક્ષ
- પાંચ વર્ષમાં રાજ્યમાં ખાડાને લીધે અકસ્માતથી 500 લોકોનાં મોત
- આ સિઝનમાં અમદાવાદમાં 19 હજાર કરતા વધારે સ્થળોએ ખાડાનું રીપેરીંગ કરવામાં આવ્યું
ગુજરાતની જનતા ભારે વરસાદ, સરકાર સર્જિત પૂરની સાથે કમલમના કમિશનને કારણે કમર ભાંગતા રસ્તાના ખાડાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો વરસાદ બાદ રોડ પર દેડકા જોવા મળતા હતા હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડા અને ભુવા જોવા મળે છે.
ભાજપના ભ્રષ્ટાચારી શાસનને લીધે ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, સરકાર ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે મક્કમ બનશે? ખાડાના કારણે પાંચ વર્ષમાં અકસ્માતથી 500 લોકોનાં મોત થયા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ મંગળવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આ પ્રહારો કર્યા હતા.
ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાને કારણે પ્રજા ત્રાહિમામ છે. ખાડાથી કમર તો ભાંગે જ છે પણ સાથસાથે પ્રજાનું ખીસ્સુ પણ ભાંગે છે. આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલટેક્ષ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં 4800 કરોડ રૂપિયા જેટલી રકમ ટોલટેક્ષના નામે સરકાર ઉઘરાવે છે બીજી બાજુ સારા રસ્તા આપવાની વાત આવે સરકાર કુદરતનો વાંક કાઢે છે. વર્ષ 2017 થી 2021 ના જ આંકડા લઈએ તો પાંચ વર્ષની અંદર ખાડામાં પડવાને કારણે થયેલ અકસ્માતમાં 500 કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એના માટે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશને સ્વીકાર્યું છે કે, આ સિઝનમાં અમદાવાદમાં 19 હજાર કરતા વધારે સ્થળોએ ખાડાનું રીપેરીંગ કરવામાં આવ્યું. એ જ રીતે સુરતના આંકડાઓ જોતા 10 હજાર કરતા વધારે ખાડાઓની મરામત કરવામાં આવી. દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઇ જાય છે. એની પાછળ મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, કોન્ટ્રાકટરો અને સરકારના ખિસ્સા ભરાય છે. ખાડાઓને લઈ સરકાર શ્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા એક વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડયા હોય તેવા રસ્તા કયા છે?
Source link