એશિયાની સૌથી મોટી સહકારી ડેરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ને બદનામ કરવાના ઈરાદાથી રાજકોટના ડૉ. હિતેશ જાની વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડૉ. જાનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ કરીને અમૂલ બ્રાન્ડના દૂધની ગુણવત્તા પર ખોટા અને ભ્રમિત આક્ષેપો કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
- અમૂલના આસિસ્ટન્ટ મેનેજરે નોંધાવી ફરિયાદ
આકાશ પૂરોહિત જેઓ ગાંધીનગર ખાતે અમૂલ ડેરીના ક્વોલિટી એસ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમણે આ ફરિયાદ નોંધાવી છે. તેમની જવાબદારી અમૂલની તમામ પ્રોડક્ટની ગુણવત્તાની દેખરેખ રાખવાની છે. ચાર દિવસ પહેલાં આકાશ પૂરોહિતના ધ્યાનમાં યુ-ટ્યુબ અને ફેસબુક પર ડૉ. હિતેશ જાનીની ચેનલ પર અપલોડ થયેલો “તમારા ઘરે કેવું દૂધ આવે છે, તમે જાણો છો?” શીર્ષકવાળો વીડિયો આવ્યો હતો.
- વીડિયોમાં 22 પ્રકારના કેમિકલનો કરાયો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ડૉ. હિતેશ જાનીએ અમૂલ દૂધને નિશાન બનાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે દૂધમાં ૨૨ પ્રકારના કેમિકલ, ડીડીટી જેવા પ્રતિબંધિત કીટનાશકો, સોડિયમ બેન્ઝોએટ અને અન્ય ઇમલ્સિફાયર નિયમિતપણે ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત, દૂધ સાત દિવસ જૂનું હોય છે અને પૅકેટમાં ઓછું ભરાય છે (500 મિલીને બદલે 480-490 મિલી) એવા ખોટા દાવા પણ કરવામાં આવ્યા હતા.
- નફાખોરી અને વિદેશી નિયંત્રણના ભ્રમિત દાવા
ડૉ. જાનીએ વીડિયોમાં એવો પણ આક્ષેપ કર્યો કે અમૂલ ગ્રાહકોને છેતરીને નફાખોરી કરે છે, અને ISI-FSSAI સ્ટેમ્પવાળા ઉત્પાદનો પણ અસુરક્ષિત છે. સૌથી ગંભીર બાબત એ છે કે તેમણે આ સમગ્ર સિસ્ટમને કથિત રીતે વિદેશી (અમેરિકન) ડિઝાઈન તરીકે દર્શાવી હતી, જે બહારથી નિયંત્રિત થતી હોવાના ખોટા દાવા કર્યા હતા, જેનાથી સહકારી આંદોલન સામે શંકા પેદા થાય.
- ડોક્ટરની ભ્રમિત વાતોથી લોકોમાં ભય પેદા થવાની સંભાવના
ફરિયાદમાં જણાવાયું છે કે ડૉક્ટર જેવા જવાબદાર વ્યક્તિ દ્વારા આવી ભ્રમિત વાતો કરવાથી લોકોમાં ખોટો ભય અને અવિશ્વાસ ફેલાય છે. આ ખોટા આક્ષેપોથી માત્ર અમૂલ બ્રાન્ડની પ્રતિષ્ઠાને જ નહીં, પરંતુ ભારતીય સહકારી સંસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
- ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમૂલ બ્રાન્ડની બદનામી કરી વીડિયો વાઇરલ કરવાના આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હવે ડૉ. હિતેશ જાની દ્વારા કરાયેલા આક્ષેપોની સત્યતા અને તેનો હેતુ જાણવા માટે વધુ કાર્યવાહી કરશે.


Leave a Comment