- વરસાદે વિરામ લેતાં શહેરીજનોએ રાહતનો દમ લીધો : મોસમનો કુલ 35.30 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મણિનગરમાં 4, ઓઢવમાં 3.5, કોતરપુરમાં 2.45, રામોલ-કઠવાડામાં 3-3 ઈંચ
- સુધીમાં નરોડામાં સૌથી વધુ (3.48 ઈંચ) એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
અમદાવાદમાં સોમવારે બારે મેઘ ખાંગા થયા હતા અને 24 કલાક દરમિયાન પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. સોમવારે રાત્રે 10 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં નરોડામાં સૌથી વધુ (3.48 ઈંચ) એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મણિનગરમાં 4 ઈંચ, ઓઢવમાં સાડા ત્રણ ઈંચ, કોતરપુરમાં પોણા ત્રણ ઈંચ, રામોલ અને કઠવાડામાં ત્રણ- ત્રણ ઈંચ, ચાંદખેડામાં સવા બે ઈંચ, વરસાદ નોંધાયો હતો. સોમવારે રાતભર વરસાદ વરસવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડયો નહોતો. જોકે, મંગળવારે વિરામ લીધો હતો અને મંગળવારે સવારથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ 35.30 ઈંચ વરસાદ નોંધાયો છે.સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ ત્રણ ઈંચ, પૂર્વ ઝોનમાં સવા બે ઈંચ, પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં દોઢ ઈંચ, મધ્ય ઝોનમાં એક ઈંચ, અને દક્ષિણ ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
AMC તંત્ર અને શાસકોના અણઘડ આયોજનને કારણે શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવા STP બનાવવા અને જૂની ડ્રેનેજ લાઈનોનું અપગ્રેડેશન કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી રૂ. 3,000 કરોડની લોન લેવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. AMC દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા તેમજ પાણી ટ્રીટ કરવા માટે STP બનાવવાની કામગીરી હાથ ધરવા અને તે માટે રૂ. 3,000 કરોડની લોન આપવા માટે વર્લ્ડ બેંકની લોન દ્વારા કમિટમેન્ટ કરાયું હોવા છતાં આ દિશામાં ગોકળગાયની ગતિ જોવા મળી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
કાળીગામ અન્ડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીથી ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદમાં સોમવારે રાતભર મૂશળધાર વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે, શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ અન્ડરપાસમાં ભરાયેલા પાણીનો મંગળવારે મોડે સુધી નિકાલ થયો નહોતો અને ગંદકી તથા કાદવ- કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. સફાઈના અભાવે રાણીપ, બલોલનગર, તથા આસપાસના વિસ્તારોના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. કાદવ અને કીચડને કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે અને તેના કારણે રોગચાળો ફેલાવા દહેશત સર્જાઈ છે.
Source link