Ahmedabad Crime News: લગ્નની લાલચ આપી સગીરાનું શોષણ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા

by

Thenewsdk

Updated: 22-12-2025, 06.56 AM

Follow us:

Ahmedabad Crime News | Shahi Bagh Police : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ચોંકાવનારો સાયબર ગુનાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા મારફતે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે શાહીબાગ પોલીસે યુવક સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, શાહીબાગની એક સોસાયટીમાં રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા બે વર્ષથી પોતાના દાદાના ઘરે રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની ઓળખ સાહિલ સથવારા નામના યુવક સાથે થઈ હતી. વાતચીત વધતા યુવકે લગ્નની ખાતરી આપી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

થોડા સમય બાદ સગીરાએ સાહિલ સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. જોકે, સંબંધ દરમિયાન યુવકે સગીરાના કેટલાક અંગત ફોટા લીધા હોવાનું સામે આવ્યું છે. સંબંધ તૂટ્યા બાદ સાહિલે આ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

યુવકના દબાણ અને ધમકીઓથી ગભરાઈ ગયેલી સગીરાએ પરિવારને જાણ કર્યા વિના પોતાના દાદાના બેન્ક એકાઉન્ટમાંથી સાહિલના બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં સગીરાના પિતાને ફ્રોડની આશંકા ઊભી થઈ હતી અને તેમણે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો.

સાયબર સેલની પ્રાથમિક તપાસ બાદ યુવકનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો બહાર આવતા સગીરાના પિતાએ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ, બ્લેકમેલિંગ, ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

શાહીબાગ પોલીસના જણાવ્યા અનુસાર, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુવકના મોબાઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગતવાર તપાસ ચાલી રહી છે. સાથે જ સગીરાનું નિવેદન લેવામાં આવ્યું છે અને તેને જરૂરી કાઉન્સેલિંગ તથા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર થતી ઓળખાણ અને સગીરાઓની ઑનલાઇન સુરક્ષા અંગે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિ પર નજર રાખે અને કોઈ પણ પ્રકારની ધમકી કે બ્લેકમેલિંગ થાય તો તાત્કાલિક પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.