Air India Flight Emergency Landing: દિલ્લીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટને સોમવારની વહેલી સવારે ગંભીર ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક પરત ફરવું પડ્યું હતું. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-887 સાથે બની હતી. વિમાને સવારે આશરે 6:40 વાગ્યે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફ પછી થોડી જ મિનિટોમાં વિમાનના જમણા એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ અને તે હવામાં જ બંધ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
પરિસ્થિતિની ગંભીરતા સમજતા પાઇલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. સલામતીના તમામ પ્રોટોકોલ અનુસાર દિલ્હી એરપોર્ટ પર ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરી દેવામાં આવી. ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમો અને સુરક્ષા સ્ટાફને રનવે આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા.
થોડા સમય બાદ વિમાને સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઇટમાં ઉદભવેલી ટેકનિકલ ખામીના કારણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું. કંપનીએ સ્પષ્ટ કર્યું કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
છેલ્લા સમયગાળામાં એર ઈન્ડિયાના વિમાનોમાં વારંવાર ટેકનિકલ ખામીઓ સામે આવી રહી હોવાના કારણે એરલાઈનની જાળવણી વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. જોકે, આ ઘટનામાં સમયસર લેવાયેલા નિર્ણયના કારણે મોટો અકસ્માત ટળી ગયો છે.


Leave a Comment