- રિફંડમાં વિલંબથી પીડાતા ફ્લાયર્સ માટે સારા સમાચાર
- ફ્લાઇટ કેન્સલ થાય કે વિલંબિત થાય તો રિફંડ આપવામાં ધાંધિયા કરાય છે
- 2019 હેઠળ દંડ કરવાની જોગવાઇ અમલી બનાવવા વિચારણા કરી રહ્યું છે
ફ્લાઇટમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વારંવાર એવો અનુભવ થાય છે કે જ્યારે તેમને કાયદેસર રીતે કોઇ કારણોસર રિફંડ લેવાનું હોય.
ત્યારે તેમને એરલાઇન્સ અને ટિકિટ બુક કરનારા એજંટો દ્રારા એકબીજા પર ખો આપવામાં આવે છે અને આના કારણે રિફંડ મળવવામાં ખુબ જ વિલંબ થાય છે. હજારો ફ્લાયર્સ પર અસર કરતાં આવા વિલંબની ગંભીર નોંધ લઇને કેન્દ્ર સરકારને ગ્રાહકોની બાબતોના મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોની બાબતોનું મંત્રાલય આવા પ્રકારે રિફંડ આપવામાં વિલંબ થાય તો તેના માટે સંબંધિત એરલાઇન્સ કંપનીને જવાબદાર ઠેરવવા અને વિલંબના કિસ્સામાં કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ દંડ કરવાની જોગવાઇ અમલી બનાવવા વિચારણા કરી રહ્યું છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ ગ્રાહકોની બાબતોના મંત્રાલય જે આ પહેલ કરવા જઇ રહ્યું છે તે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે જો ફ્લાઇટ કેન્સલ થાય અથવા તો તેમાં અક્ષમ્ય વિલંબ થાય તો ફ્લાયર્સને રિફંડ મેળવવામાં અતિશય સમય લાગે છે અને વિમાન કંપનીઓ દ્રારા વળતર આપતા પહેલા દિવસો સુધી અનેક બહાનાઓ બતાતવામાં આવતા હોય છે. આથી નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ છે અને ફ્લાયર્સને વહેલું રિફંડ કેવી રીતે મળે અને ન મળે તો એરલાઇન્સને જવાબદાર ઠેરવી તેને દંડ થાય એવી જોગવાઇ અમલી બનાવવા માટે નિયમોનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ભૂતકાળમાં કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ સ્થાપવામાં આવેલી નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ પ્રકારે ફ્લાયર્સને જે રિફંડ લેવાનું થતું હોય તે પાછું અપાવવા માટે દરમિયાનગીરી કરી હોવાના દાખલા છે અને ટ્રાવેલ એજન્ટ કંપનીઓ જેવી કે યાત્રા, મેક માય ટ્રિપ, ક્લિઅર ટ્રીપ, ઇઝ માય ટ્રિપ, ઇક્સિગો અને થોમસ કુક વગેરેએ બુક
કરેલી ટિકિટો માટે આ સંસ્થાએ રૂ. 1,453 કરોડનું રિફંડ વિવિધ ફ્લાયર્સને અપાવ્યું હતું.
રિફંડ અંગેનો નિયમ શું છે?
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ગાઇડલાઇન્સ અનુસાર જો ટિકિટ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી બુક કરવામાં આવી હોય તો એરલાઇન્સ કામકાજના સાત દિવસની મર્યાદામાં રિફંડ આપવા બંધાયેલી છે. જો ટિકિટ રોકડથી ખરીદવામાં આવી હોય તો એવા કિસ્સામાં એરલાઇન્સ કામકાજના 30 દિવસની મર્યાદામાં રિફંડ આપવા બંધાયેલી છે. જો ટ્રાવેલ એજન્ટ કે ઓનલાઇન બુકિંગ પ્લેટફોર્મ દ્રારા ટિકિટ બુક કરવામાં આવી હોય તો એરલાઇન્સ આવા એજન્ટ કે પ્લેટફોર્મને સાત દિવસમાં રિફંડ આપી દેવા બંધાયેલી છે. એરલાઇન્સ દ્રારા રિફંડ આપી દેવામાં આવે તે પછી રિફંડમાં વિલંબ થાય તો આવા એજન્ટ અને પ્લેટફોર્મ જવાબદાર બને છે. આમ છતાં એકબીજાને ખો આપી રિફંડ આપવાની પ્રક્રિયા ટલ્લે ચડાવવામાં આવી હોય એવા અનેક દાખલા જોવા મળે છે.
Source link