પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયુ છે. તેઓ જાણીતા કવિ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા. ત્રણ વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ 1934માં ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. ‘નરસિંહ ભગત’ ફિલ્મનું ઉપર લખાયેલું ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં ગાયું અને 17 વખત વન્સ મોર થયું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વ્યક્ત કર્યું દુ:ખ
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ ગાયક – સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, તેમણે તેમના સુરમય સંગીત અને અમૂલ્ય યોગદાન દ્વારા ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ બનાવ્યું છે.
ગુજરાતી સુગમ સંગીતના એક યુગનો આવ્યો અંત
તેમનાં સ્વર અને સુર અસંખ્ય શ્રોતાઓના હૃદયને સ્પર્શ્યાં છે. તેમની વિદાય સાથે ગુજરાતી સુગમ સંગીતના એક યુગનો અંત આવ્યો છે. તેમનું નિધન ગુજરાતી સંગીતજગત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમના સુરોની મીઠાસ અને સર્જનાત્મકતા સદાય આપણી સ્મૃતિમાં જીવંત રહેશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પુરુષોત્તમ ઉપાધ્યાયને આપી શ્રદ્ધાંજલિ
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સંવેદનાઓ તેમના પરિવારજનો, પ્રશંસકો અને શુભચિંતકો સાથે છે. ભગવાનને પ્રાર્થના છે કે, દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને શોકાકુલ પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
પીએમ નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું છે કે ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના..
Source link