આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ રામામૂર્તિ નાયડુનું લાંબી માંદગી બાદ આજે શનિવારે હૈદરાબાદમાં નિધન થયું છે. તેમને ત્રણ દિવસ પહેલા હ્રદય અને શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા.
પક્ષને પાયાના સ્તરથી મજબૂત બનાવવામાં ખુબ જ સક્રિય ભૂમિકા ભજવી
રામામૂર્તિ નાયડુ 1994થી 1999 સુધી ચંદ્રગિરી મતવિસ્તારમાંથી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ધારાસભ્ય હતા. તેમના કાર્યકાળ દરમિયાન પક્ષને પાયાના સ્તરથી મજબૂત બનાવવામાં ખુબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી. AIG હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે 12:45 કલાકે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું.
તમામ પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો
રામમૂર્તિના નિધન પર વિવિધ પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી, રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય કનકમેદલા રવિન્દ્રકુમાર અને આંધ્ર પ્રદેશની TDP સરકારમાં પ્રધાન નારાયણ રામામૂર્તિએ CM ચંદ્રબાબુ નાયડુના ભાઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ‘રામમૂર્તિ નાયડુનું નિધન દુઃખદ છે. અમે ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ અને તેમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
રાજ્યસભાના પૂર્વ સભ્ય કનકમેદલા રવિન્દ્ર કુમારે કહ્યું કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય રામમૂર્તિ નાયડુનું નિધન દુઃખદ છે. તેમણે કહ્યું કે રામમૂર્તિ નાયડુએ ચંદ્રગિરી ધારાસભ્ય તરીકે મતવિસ્તારના લોકોની ખુબ જ સેવા કરી છે. તેમણે પાર્ટી માટે તેમની સેવાઓની પ્રશંસા કરી, અને અમૂલ્ય ગણાવી છે. કનકમેદાલાએ રામમૂર્તિ નાયડુના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.
CM ચંદ્રબાબુ નાયડુ દિલ્હીથી હૈદરાબાદ જવા રવાના
ભાઈના મૃત્યુના સમાચાર મળતા જ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ દિલ્હીથી હૈદરાબાદ જવા રવાના થઈ ગયા. તમને જણાવી દઈએ કે રામમૂર્તિ નાયડુના અંતિમ સંસ્કાર આવતીકાલે (રવિવારે) નરવરીપલ્લેમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નરવરીપલ્લે સ્થિત તેમના પૈતૃક નિવાસસ્થાને રાખવામાં આવશે.
Source link