Asaram In Surat Ashram: 13 વર્ષ બાદ સુરત પહોંચ્યો આસારામ, અનુયાયીઓએ ઢોલ-નગારાથી કર્યું ભવ્ય સ્વાગત

by

Thenewsdk

Updated: 02-01-2026, 02.11 PM

Follow us:

Asaram In Surat Ashram: દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં તબીબી કારણોસર શરતી જામીન પર છૂટેલા આસારામ લાંબા સમય બાદ સુરત પહોંચ્યા છે. વર્ષ 2013માં ધરપકડ થયા બાદ આશરે 13 વર્ષ પછી સુરતના જહાંગીરપુરા આશ્રમમાં તેમનું આગમન થતાં તેના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

ભાવનગરથી રો-રો ફેરી મારફતે સુરત પહોંચેલા આસારામ માટે આશ્રમમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. આશ્રમના ગેટ પર પહોંચતાં જ ભક્તોએ ઢોલ-નગારા, પુષ્પવર્ષા અને આરતી સાથે સ્વાગત કર્યું હતું.

નવા વર્ષની શરૂઆતમાં દિવાળી જેવો માહોલ

1 જાન્યુઆરી, 2026ના રોજ, વર્ષના પ્રથમ દિવસે જ જહાંગીરપુરા આશ્રમમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. આશ્રમ પરિસરને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું અને પ્રવેશદ્વાર પર રંગોળીઓ બનાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને કોઈ કહી ન શકે કે આ સ્વાગત એક દુષ્કર્મના દોષિત વ્યક્તિનું થઈ રહ્યું છે.

ત્રણ દિવસનું રોકાણ, આયુર્વેદિક સારવાર

આસારામ સુરત આશ્રમમાં આગામી ત્રણ દિવસ સુધી રોકાણ કરશે. આશ્રમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રોકાણનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય સુધારવાનો છે. જામીન અરજીમાં દર્શાવ્યા મુજબ, તે અહીં નિષ્ણાત વૈદ્યો પાસેથી આયુર્વેદિક સારવાર લેશે. આ ઉપરાંત, પોતાના જૂના શિષ્યો અને સાધકો સાથે મુલાકાત પણ કરશે.

અન્ય રાજ્યોમાંથી અનુયાયીઓ, પોલીસ બંદોબસ્ત

આસારામના આગમનની માહિતી મળતા જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ અનુયાયીઓ સુરત પહોંચ્યા. ભીડને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા આશ્રમ આસપાસ અને મુખ્ય માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.

2013નો દુષ્કર્મ કેસ

આસારામ સામે વર્ષ 2013માં એક સગીર બાળકી દ્વારા દુષ્કર્મનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. પીડિતા છિંદવાડા ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. ઈલાજના બહાને જોધપુર આશ્રમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. 31 ઓગસ્ટ 2013ના રોજ ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં હતો.

જામીનની શરતોમાં ફેરફાર માટે અરજી

સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર શરતી જામીન આપ્યા છે. જામીન બાદ તે અમદાવાદના મોટેરા આશ્રમમાં પણ ગયો હતો. હાલ આસારામે હાઈકોર્ટમાં અરજી કરીને જામીન દરમિયાન ફરજિયાત રાખવામાં આવેલા 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર માગ્યો છે. આ મુદ્દે હાઈકોર્ટે સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.