બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે વધી રહેલી હિંસાની ઘટનાઓએ ગંભીર ચિંતા જગાવી છે. ચિત્તાગોંગ, લક્ષ્મીપુર અને ઢાકા નજીકના વિસ્તારોમાં થયેલા તાજેતરના હુમલાઓએ અલ્પસંખ્યકોની સુરક્ષા પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે.
ચિત્તાગોંગમાં હિન્દુ વસાહતમાં ઉશ્કેરાયેલા ટોળાએ ઘરોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જયંતિ સંઘ અને બાબુ શુકુશીલના ઘરોને નિશાન બનાવી દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવ્યા, જેથી અંદર ફસાયેલા પરિવારોએ જીવ બચાવવા માટે ઘરની વાડ કાપીને ભાગવું પડ્યું. આગમાં ઘરવખરી, મહત્વના દસ્તાવેજો અને પાલતુ પશુઓ સંપૂર્ણપણે બળી ગયા. પ્રશાસન તરફથી મળેલી મર્યાદિત સહાયને પીડિતોએ અપૂરતી ગણાવી છે.
આથી પણ વધુ હૃદયવિદારી ઘટના લક્ષ્મીપુર સદર વિસ્તારમાં સામે આવી, જ્યાં અજાણ્યા શખ્સોએ હિન્દુ પરિવારના ઘરને બહારથી લોક કરી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. આ ભીષણ આગમાં 7 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે દાઝી ગયા.
ઉપરાંત, ઢાકા નજીક ભાલુક વિસ્તારમાં દીપુ ચંદ્ર નામના હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી. તેના પર ઈશનિંદાના ખોટા આરોપ મૂકાયા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં આ આરોપો ખોટા હોવાનું સામે આવ્યું છે.
આ તમામ કેસોમાં પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પરંતુ ધરપકડ ન થતાં હિન્દુ સમુદાયમાં ભારે અસંતોષ છે. લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર પુરાવા રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય, તો બાંગ્લાદેશની માનવાધિકાર છબી પર ગંભીર અસર પડી શકે છે.


Leave a Comment