Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇકબાલગઢ નજીક આવેલા ગંગાસાગર પાટીયા પાસે રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવક અને યુવતી ટ્રેન નીચે કપાઈ જતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવથી સમગ્ર અમીરગઢ અને આસપાસના વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, ગંગાસાગર પાટીયા પાસેથી પસાર થઈ રહેલી ટ્રેન નીચે અચાનક યુવક અને યુવતી આવી ગયા હતા. ટ્રેનની જોરદાર અડફેટે બંનેના શરીરના ટુકડા થઈ ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ સ્થળ પર જ નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અમિરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી, પરંતુ યુવક અને યુવતી પાસેથી કોઈપણ પ્રકારનું ઓળખપત્ર કે દસ્તાવેજ મળી આવ્યો નથી.
તપાસ દરમિયાન યુવકના પેન્ટના ખિસ્સામાંથી 100 રૂપિયા અને 500 રૂપિયાની ફાટેલી ચલણી નોટો મળી આવી હતી, જેને પોલીસે કબજે લીધી છે. આ નોટોના આધારે કોઈ કડી મળે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ ન થતાં પોલીસે આસપાસના ગામો અને અન્ય પોલીસ મથકોને જાણ કરી વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.
હાલમાં પોલીસે આ ઘટનાને લઈ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, એક સાથે યુવક-યુવતીનું રેલવે ટ્રેક પર મોત થવાથી આત્મહત્યા કે અકસ્માત અંગે રહસ્ય ઘેરું બન્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.


Leave a Comment