બાયડમાં ગાબટ રોડ પર અયોધ્યાનગરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી. જેના કારણે રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આ મામલે આજે અહીંની મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરી હતી.
ગાબટ રોડ પર અયોધ્યાનગરમાં હજુ પણ ઘૂંટણસમા પાણી છે. વરસાદ બંધ થઈ ગયો છે પણ પાણી ઓસરતાં નથી. સામાન્ય વરસાદમાં અહીં બેટ જેવી સ્થિતિ સર્જાય છે. રહીશોના જણાવ્યા મુજબ, વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેના કારણે આ સમસ્યા ગંભીર બની રહી છે. રહીશોના આક્ષેપો મુજબ, દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે. તેનો કાયમી ઉકેલ આવતો નથી. અહીં ટેલીફોન એક્સચેન્જથી ગાબટ રોડને સમાંતર અયોધ્યાનગરથી ગાબટ રોડ ત્રણ રસ્તા સુધી સ્ટોર્મ વોટર લાઈન નાખી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ અગાઉ રજૂઆતો કરેલી છે તેવું અહીંના રહીશોએ જણાવ્યું હતુ. બીજી તરફ આ અંગે બાયડ પાલિકા ચીફ ઓફિસર હિરેન સોલંકીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે ગાબટ રોડ પર બંન્ને બાજુ સ્ટોર્મ વોટર લાઈન નાખવાના કામ માટે વર્ષ 2020માં પાલિકાએ ઠરાવ કરેલો છે. જે મુજબ આ કામના આયોજન માટે મોટા ભંડોળની જરૂર છે. રોડની માલિકી આર એન્ડ બી વિભાગની છે. આર એન્ડ બી વિભાગે કામગીરી કરવાની થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે જેસીબી દ્વારા રોડની સમાંતર નીક બનાવી આગળ ત્રણ રસ્તા સુધી પાણીના નિકાલની હંગામી વ્યવસ્થા કરી છે. પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે.
જેસીબીથી પાણીનો નિકાલ કરવા તંત્ર કામે લાગ્યું
ગાબટ રોડ ઉપર અયોધ્યાનગરમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. રહીશોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે અને મામલો પેચીદો બનતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. ચીફ ઓફિસર જેસીબી સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. જો કે, આ વ્યવસ્થા વૈકલ્પિક હોવાનું રહીશોએ જણાવ્યું હતું. કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા સ્ટોર્મ વોટર લાઈન મારફતે કરવામાં આવે તે જરૂરી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.
ટેલિફોન એક્ષચેન્જથી હાઈ-વે સુધી પાણીનો નિકાલ કરાવો
ગાબટ રોડ વિસ્તારની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે ટેલિફોન એક્ષચેન્જથી હાઈ-વે સુધી સ્ટોર્મ વોટર લાઈન મારફતે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહીશોની માગણી છે.
પ્રાંતિજ ટાઉન હોલ ગંદા કચરાનું ડમ્પિંગ સ્ટેશન બન્યો
પ્રાંતિજ : પ્રાંતિજ ખાતે ટાઉન હોલનો વિકાસ તો થભી ગયો પણ પાલિકા દ્વારા ટાઉન હોલની આગળ ગંદા કચરાનુ ડમ્પીગ સ્ટેશન ચાલુ કર્યુ હોય તેવુ જણાઈ રહ્યું છે. પ્રાંતિજ ખાતે રૂ.7થી 8 કરોડનો ખર્ચ કરાયો છતાંય ટાઉન હોલનો હજી સુધી વિકાસ કરાયો નથી. ત્યારે ટાઉન હોલ આગળ જાણે પ્રાંતિજના ગંદા કચરાનું ડમ્પીંગ સ્ટેશન બન્યું છે. આ ગંદા કચરાના ઢગમાં ગાય- કૂતરાઓઓ પણ રઝળતા હોય ચે. ત્યારે અહીં રહેતા રહીશોમાં રોગચાળો ફેલાય તેવો ભય રહેલો છે. પાલિકા દ્વારા સ્તવરે આ કચરાનું નિરાકરણ કરવામાં આવે તેમજ સાફ- સફાઈ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
Source link