બેંગલુરુની એક વિશેષ અદાલતે હવે બંધ થઈ ગયેલી ચૂંટણી બોન્ડ યોજના મારફત બળજબરીપૂર્વક વસૂલાતના આરોપો મુદ્દે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
જનાધિકાર સંઘર્ષ દ્વારા દાખલ કરાવાયેલી ફરિયાદમાં નિર્મલા સીતારામન અને અન્યો સામે ચૂંટણી બોન્ડના ઓઠા હેઠળ બળપૂર્વક વસૂલાતનું રેકેટ ચલાવવાનો આરોપ લગાવાયો હતો. ફરિયાદમાં સીતારામન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કર્ણાટક ભાજપના નેતા નલિન કુમાર કતીલ, અને બી.વાય. વિજયેન્દ્ર પણ સામેલ છે. ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે કોર્પોરેટ સંસ્થાઓને હજારો કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવા મજબૂર કરાઈ હતી.
તેમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા દબાણની રણનીતિ હેઠળ દરોડા પાડવાનો પણ હવાલો આપ્યો હતો. આ ચૂંટણી બોન્ડ્સને કથિત રીતે ભાજપ નેતાઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વટાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં દાવો કરાયો હતો કે ચૂંટણી બોન્ડ યોજના હેઠળ રાજકીય ઉદ્દેશ્યો માટે ગેરકાયદે નાણાં એકત્ર કરવામાં મદદ કરવામાં આવી હતી જેમાં સીતારામન અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા.
ચૂંટણી બોન્ડ નીતિગત મુદ્દો, ગુનાહિત નથી : ભાજપ
ભાજપે આરોપોને નકારતા નાણાપ્રધાન નિર્મલા સીતારામનનો બચાવ કર્યો હતો. પાર્ટીએ તર્ક આપ્યો હતો કે આ આરોપો રાજકારણથી પ્રેરિત છે અને ચૂંટણી બોન્ડનો મુદ્દો નીતિગત મામલો છે, કોઈ ગુનાહિત મામલો નથી. ભાજપે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે ચાલી રહેલા મૈસૂર અર્બન ડેવલપેન્ટ ઓથોરિટી કેસ મુદ્દે પણ હુમલો કર્યો છે. ભાજપ પ્રવક્તા ડૉ. સુધા હલકાઇએ કહ્યું હતું કે તપાસ એજન્સીઓ સાથે સહકાર કરવા મુદ્દે સિદ્ધારમૈયા જરાય સહકાર કરતા નથી. કોંગ્રેસના નેતાઓ પર 106 કેસ હતા તેમાંથી એકલા સિદ્ધારમૈયા સામે જ 64 કેસ દાખલ હતા.
Source link