ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનની સાથે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. સિડની ટેસ્ટમાં રોહિત શર્માને પ્લેઇંગ 11માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
હિટમેનની જગ્યાએ ટીમની કમાન જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. પાંચમી ટેસ્ટ પહેલા એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને બુમરાહ સાથે જોવા મળ્યા હતા. પરંતુ હવે જે ખુલાસો થયો છે તેને ભારતીય ક્રિકેટ અને તેના તમામ ફેન્સને હેરાન કરી દીધા છે.
ગંભીર અને રોહિત વચ્ચેની વાતચીત બંધ?
ગૌતમ ગંભીર અને રોહિત શર્માને લઈને મીડિયાના લેટેસ્ટ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગંભીર અને રોહિત વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ છે. રોહિત-ગંભીર અને બુમરાહ પાંચમી ટેસ્ટ પહેલા સિડનીની પિચનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ગંભીર અને રોહિતે એકબીજા સાથે વાત કરી ન હતી. રિપોર્ટ મુજબ સિડનીના મેદાનમાં હાજર દરેક વ્યક્તિએ રોહિત અને ગંભીર વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ જોયું. રોહિતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને બુમરાહ સાથે વાત કરી, પરંતુ તે ગંભીરને અવગણતો જોવા મળ્યો. ટેસ્ટ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર પણ રોહિતને પ્લેઈંગ 11માંથી બહાર કરવાના સવાલનો કોઈ સીધો જવાબ આપવાનું ટાળતો જોવા મળ્યો હતો. તેને કહ્યું હતું કે અમે વિકેટ જોઈને જ અંતિમ ઈલેવન બનાવીશું.
રોહિત શર્મા થયો ડ્રોપ
સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં રોહિત શર્માને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. રોહિતની જગ્યાએ ટીમની કમાન બુમરાહને સોંપવામાં આવી છે. આ સિરીઝમાં બેટ સાથે હિટમેનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. રોહિતે પાંચ ઈનિંગ્સમાં માત્ર 6ની એવરેજથી કુલ 31 રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ કેપ્ટનને સિરીઝની વચ્ચે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોય. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે રમાયેલી છેલ્લી છ ટેસ્ટ મેચમાંથી 5માં હારનો સામનો કરવો પડ્યો છે.
જસપ્રીત બુમરાહે કર્યો ખુલાસો
રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટમાં ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. જ્યારે બુમરાહને રોહિત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જસ્સીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે હિટમેનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે કહ્યું કે રોહિતે પોતે આ ટેસ્ટમાંથી બહાર રહેવાનો અને આરામ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રોહિત તેની છેલ્લી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમી ચૂક્યો છે અને કદાચ તે ટીમ ઈન્ડિયાની વ્હાઈટ જર્સીમાં મેદાન પર જોવા નહીં મળે.