- મૂક પ્રેક્ષક જેવી હાજરી ધરાવતા દળોને પાછા બોલાવવા બહેતર રહેશે
- મણિપુરમાં તૈનાત કેન્દ્રીય દળોના 60,000 જવાનો શાંતિ સ્થાપવામાં નિષ્ફળ
- મણિપુરના એક ગામમાં ઉગ્રવાદીઓએ પાંચ ઘર બાળી દીધાં
મણિપુર ભાજપના ધારાસભ્ય અને મુખ્યપ્રધાન એન.બિરેનસિંહના જમાઇ રાજકુમાર ઇમોસિંહે સોમવારે કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્યમાં પ્રવર્તી રહેલી હિંસાને અસરકારક રીતે અંકુશમાં લેવા કેન્દ્રીય દળો સક્ષમ ના હોય તો તેમને પાછા બોલાવવા વિનંતી કરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમણે દલીલ કરી છે કે રાજ્યમાં તૈનાત કેન્દ્રીય દળોના 60,000 જવાનો શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. ભાજપના ધારાસભ્યે સુચવ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યમાં ભભૂકી ઉઠેલી વંશીય અશાંતિને રોકીને સામાન્ય સ્થિતી બહાલ કરવાની કામગીરી રાજ્યના સુરક્ષા જવાનોને કરવા દેવી જોઇએ. તેમણે લખ્યું કે મણિપુરમાં કેન્દ્રીય દળોના 60,000 જવાનોની હાજરી શાંતિ સ્થાપી શકી નથી. મૂક પ્રેક્ષક જેવી હાજરી ધરાવતા દળોને પાછા બોલાવવા બહેતર રહેશે. રાજ્ય સરકાર કે લોકોને સહકાર ના આપતા હોવાથી તાજેતરમાં આસામ રાયફલ્સના કેટલાક એકમોને રાજ્યમાંથી પાછા બોલાવવામાં આવ્યા તે નિર્ણયની યાદ અપાવી કેન્દ્રીય દળોની પાછા બોલાવવા કહ્યું હતું.
મણિપુરના એક ગામમાં ઉગ્રવાદીઓએ પાંચ ઘર બાળી દીધાં
ઇમ્ફાલ : મણિપુરમાં ઉગ્રવાદીઓએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એક ગામે ખાલી પડેલા પાંચ ઘરને આગ ચાંપી હતી. પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ પહાડોની ટોચ તેમ જ કદાંગબંદના તળેટીમાં પણ ગોળીબાર શરૂ કરી કૌતુક ગામે પહોંચવામાં સફળ થયા હતા. ગોળીબાર અને બોમ્બમારા પછી લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. બદમાશોએ ગામમાં ખાલી પડેલા પાંચ મકાનો બાળી દીધા હતા. જોકે સુરક્ષા દળોએ તેમને વળતો જવાબ આપીને ગામમાંથી ભગાડી દીધા હતા. ઉગ્રવાદીઓના હુમલામાં રવિવારે એક મહિલા સહિત બે લોકોના મૃત્યુ થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા.
Source link