હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સીટ બદલાઈ છે. સૈની હવે કરનાલને બદલે કુરુક્ષેત્રની લાડવા સીટ પરથી ચૂંટણી લડશે. સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, અનિલ વિજ અંબાલા કેન્ટથી, કંવર પાલ ગુર્જર જગાધરીથી, પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલ રતિયાથી, કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈ આદમપુરથી, તેજપાલ તંવર સોહનાથી ચૂંટણી લડશે. ગત ચૂંટણીમાં લાડવાથી કોંગ્રેસ જીતી હતી.
ભાજપે પોતાના નેતાઓના પુત્ર-પુત્રીઓને પણ ટિકિટ આપી
ભાજપે પોતાના પક્ષના નેતાઓના પુત્ર-પુત્રીઓને પણ ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવને અટેલીથી ટિકિટ મળી છે. જ્યારે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીને તોશામમાંથી ટિકિટ આપવામાં આવી છે. કિરણ ચૌધરી અહીંથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. હવે તે રાજ્યસભાના સાંસદ બની ગયા છે. કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યને આદમપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં રોહતક બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા અરવિંદ શર્માને ગોહાનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
હરિયાણામાં ક્યારે થશે મતદાન
હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. હરિયાણાની તમામ 90 સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી હતી. ભાજપ પાસે 40 બેઠકો છે, કોંગ્રેસ પાસે 31 બેઠકો છે અને અપક્ષ/અન્ય પાસે 19 બેઠકો છે. અગાઉ 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી અને પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાનું હતું. પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો હતો.