Border 2 Official Teaser: દેશભક્તિ અને વોર એક્શનથી ભરપૂર ફિલ્મ બોર્ડર 2નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે. મલ્ટિસ્ટારર ફિલ્મની પહેલી ઝલક માટે આતુર રહેલા ફેન્સ માટે આ ટીઝર કોઈ ભેટથી ઓછું નથી. ટીઝરમાં સની દેઓલ ફરી એકવાર પોતાના જુના એગ્રેસિવ અને પાવરફુલ અંદાજમાં જોવા મળે છે.
ટીઝરની શરૂઆત સની દેઓલના ગર્જનાભર્યા ડાયલોગથી થાય છે, જેમાં તેઓ દુશ્મનોને ચેતવણી આપે છે કે હિંદુસ્તાનમાં જ્યાંથી પણ ઘુસવાનો પ્રયાસ થશે, ત્યાં સામે ભારતીય ફોજી ઊભો મળશે. એક અન્ય દ્રશ્યમાં “આવાજ લાહોર સુધી જવો જોઈએ” જેવા સંવાદે દર્શકોમાં રોમાંચ ફેલાવી દીધો છે.
ફિલ્મમાં સની દેઓલ સાથે દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મહત્વના રોલમાં નજર આવશે. ટીઝરમાં અહાન શેટ્ટી વોર સીનમાં લોહીથી લથપથ જોવા મળે છે, જ્યારે દિલજીત અને વરુણની એન્ટ્રી પણ દમદાર લાગી છે. પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર અને વિસ્ફોટોથી ભરેલા દ્રશ્યો ટીઝરને વધુ અસરકારક બનાવે છે.
ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે, જ્યારે પ્રોડક્શન જેપી દત્તા અને ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે. બોર્ડર 2 23 જાન્યુઆરી 2026ના રોજ ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
1997માં આવેલી બોર્ડરની અપાર સફળતા બાદ હવે તેના બીજા ભાગથી પણ મેકર્સ અને ફેન્સને મોટી અપેક્ષા છે. ગદર 2 પછી સની દેઓલના કમબેકને જોતા, બોર્ડર 2 બોક્સ ઓફિસ પર મોટી ધમાકેદાર એન્ટ્રી કરે તેવી સંભાવના છે.


Leave a Comment