
મોદી સરકાર 3.0એ વર્ષ 2025 માટે આજે કેન્દ્રીય બજેટની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025 રજૂ કર્યુ છે અને દેશના વિકાસ માટે અનેક મહત્વની યોજનાઓ અને સ્કીમો વિશે જાણકારી આપી છે, જેના દ્વારા દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને રોકાણ સહિતના અનેક સેક્ટરમાં વિકાસ થશે અને દેશ આર્થિક રીતે પણ મજબૂત બનશે.
ગરીબો, યુવાનો, ખેડૂતો, મહિલા સશક્તિકરણને વેગ મળશે
ત્યારે આ દરમિયાન કેન્દ્રીય બજેટને આવકારતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલું બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે. જ્ઞાન – ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ ચાર સ્તંભો કૃષિ, MSME, રોકાણ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારું બજેટ: CM
વધુમાં બજેટ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.
1 કરોડથી વધુ ખેડૂતોને થશે ફાયદો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે. 100 જિલ્લાઓમાં ઓછી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને સુધારવામાં આવશે. સ્ટોરેજ વધારવો પડશે અને સિંચાઈની સુવિધા વધારવી પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના હેઠળ 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો પાસે વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ખેડૂતોએ પાકનું ઉત્પાદન વધાર્યું અને સરકારે ખરીદીમાં મદદ કરી. અમારી સરકાર હવે તુવેર, અડદ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરશે.