
કેન્દ્ર સરકાર તરફથી યુનિયન બજેટમાં આ વખતે રમતગમત જગતને એક મોટી ભેટ પણ મળી છે, જ્યાં સરકારે બજેટમાં 351.98 કરોડ રૂપિયાનો મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.
સરકારના મુખ્ય ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમ જે પાયાના સ્તરે રમતવીરોને શોધવા અને વિકસાવવા માટે છે, તેનો સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં રમતગમત અને યુવા બાબતો માટે ફાળવણીમાં 351.98 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો.
રમતગમત મંત્રાલયને 3794.30 કરોડ રૂપિયા ફાળવ્યા
યુવા મામલે અને રમતગમત મંત્રાલયને કુલ 3794.30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ વધારો ખૂબ જ નોંધપાત્ર છે કારણ કે આગામી એક વર્ષમાં ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ જેવી કોઈ મોટી રમતગમતની ઈવેન્ટ યોજાવાની નથી.
ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સનું કરવા માંગે છે આયોજન
રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને સહાય માટે રાખવામાં આવેલી રકમ પણ 340 કરોડ રૂપિયાથી વધારીને 400 કરોડ રૂપિયા કરવામાં આવી છે. ભારત હાલમાં 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માંગે છે, અને તેણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે વાત કરી છે.
આ સાથે નેશનલ કેમ્પનું આયોજન કરવા અને ખેલાડીઓની તાલીમ માટેની વ્યવસ્થા કરવા માટેની નોડલ સંસ્થા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) માટે ફાળવણી 815 કરોડ રૂપિયાથી વધારીને 830 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
NADA નું બજેટ પણ વધ્યું
રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીનું બજેટ 20.30 કરોડ રૂપિયાથી વધારીને 24.30 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 1998માં બનાવવામાં આવેલા રાષ્ટ્રીય રમતગમત વિકાસ ભંડોળમાં યોગદાન સતત બીજા વર્ષે 18 કરોડ રૂપિયા રહેશે, જ્યારે સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન માટે આપવામાં આવતી ગ્રાન્ટ 42.65 કરોડ રૂપિયાથી ઘટાડીને આ વર્ષે 37 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
જમ્મુ અને કાશ્મીરમાં રમતગમત સુવિધાઓ માટે મોટી ભેટ
જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતની સુવિધાઓ વધારવા માટે 20 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 14 કરોડ રૂપિયા વધુ છે. વધેલા બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રીય સેવા યોજનામાં જશે, જેને રૂ. 450 કરોડ મળશે, જે ગયા વર્ષ કરતાં રૂ. 200 કરોડ વધુ છે.