વર્ષ 2022-23માં 15માંથી 11 ખાનગી આરોગ્ય વીમા કંપનીઓએ ક્લેઈમ કરાયેલી કુલ રકમ પૈકી દર્દીઓને 75 ટકાથી પણ ઓછી રકમ ચૂકવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેનો અર્થ એ થયો કે, જો કોઈ દર્દીએ હોસ્પિટલના બિલ તરીકે રૂ.એક લાખનો દાવો કર્યો હોય તો વીમા કંપનીએ રૂ.75 હજાર કરતાં પણ ઓછી રકમની ચૂકવણી કરી હતી.
જ્યારે બાકીની રકમ દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવી હતી. બીજી તરફ ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ)ના વાર્ષિક ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2022-23માં જનરલ અને હેલ્થ વીમા કંપનીઓએ આરોગ્ય વીમાના કુલ 2.36 કરોડ દાવાની પતાવટ કરી હતી. અને આ દાવાની પતાવટ પેટે વીમાનો દાવો કરનારાઓને કુલ રૂ.70,930 કરોડ ચૂકવ્યા હતા. એટલે કે, આરોગ્ય વીમાના ક્લેઈમ દીઠ સરેરાશ રૂ.30,087 ચૂકવવામાં આવ્યા હતા.
જો ક્લેઈમની ચુકવણીના રેશિયોની વાત કરવામાં આવે તો ક્લેઈમ પ્રોસેસિંગ માટેની કુલ રકમમાંથી વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલી રકમ મામલે 98.74 ટકા ચૂકવણી સાથે ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ ટોચ પર રહ્યું હતું. એટલે કે, ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ દ્વારા કુલ ક્લેઈમમાંથી 98.74 ટકા દાવાની પતાવટ કરવામાં આવી હતી. ઈન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (આઈબીએઆઈ) દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, ઓરિએન્ટ ઈન્શ્યોરન્સ 97.35 ટકા દાવાની ચૂકવણી સાથે બીજા ક્રમે હતું. જો કે વર્ષ 2024 માટેના દાવાઓનો રેશિયો હજુ સંકલિત કરવાનો બાકી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આંકડા અનુસાર, એચડીએફસી એર્ગોએ દાવો કરાયેલી કુલ રકમમાંથી 71.35 ટકાની ચુકવણી કરી હતી. જ્યારે આ મામલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ટકાવારી 63.98 હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન આરોગ્ય વીમા ક્ષેત્રે કાર્યરત 29 વીમા કંપનીઓમાંથી માત્ર ચાર વીમા કંપનીઓએ વર્ષ 2023માં 90 ટકાથી વધુ દાવાની ચુકવણી કરી હતી. આઈબીએઆઈના આંકડા થકી જાણવા મળે છે કે, દસ વીમા કંપનીઓ જે પૈકી મોટાભાગની ખાનગી વીમા કંપનીઓ હતી તેમણે 80 ટકાથી ઓછા દાવાની ચુકવણી કરી હતી.
Source link