તહેવારની સીઝનની વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં પામ ઓઈલના ભાવમાં 37 ટકાનો જંગી વધારો થયો છે.
આ સાથે અન્ય ઓઈલના ભાવ પણ વધ્યા છે. દિવાળી ટાણે જ તેલ મોંઘું થતાં પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. પરિવારો ઉપરાંત ખાદ્ય તેલના ભાવમાં વધારાને કારણે રેસ્ટોરન્ટ, હોટલ્સ અને સ્વીટ શોપને સૌથી તીવ્ર અસર થઈ છે. જ્યાં ખાદ્ય ઓઈલનો સૌથી વધુ વપરાશ કરવામાં આવે છે. હાલની સ્થિતિને કારણે હવે એવી મજબૂત આશા વ્યક્ત કરાઈ રહી છે કે, મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે.
સામાન્ય રીતે મોટા ભાગના પરિવારો દ્વારા સરસવના તેલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેના ભાવમાં છેલ્લા એક મહિનામાં 29 ટકાનો વધારો થયો હતો. હાલ જ્યારે શાકભાજી અને ખાદ્યના ઊંચા ભાવોને કારણે રિટેલ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં 5.5 ટકા સાથે છેલ્લા નવ મહિનાના ઊંચા મથાળે પહોંચ્યો છે તેવા સમયે ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે.
ગત મહિને સરકાર દ્વારા સોયાબીન, પામ, સનફ્લાવર ઓઈલ પરની આયાત ડયૂટીમાં વધારો કરવામાં આવતાં ખાદ્ય તેલના ભાવ પર ભારે દબાણ સર્જાયું છે. ક્રૂડ પામ, સોયાબીન અને સનફ્લાવર પરની આયાત ડયૂટીને 5.5 ટકાથી વધારી 27.5 ટકા કરવામાં આવી છે. ઉપરાંત રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની ડયૂટી પણ 13.7 ટકાથી વધારી 35.7 ટકા કરવામાં આવી છે. આ સાથે છેલ્લા એક મહિનામાં તેલના વૈશ્વિક દરોમાં પણ નોંધપાત્ર વધારો થવાથી સ્થાનિક સ્તરે ખાદ્ય ઓઈલના ભાવ વધ્યાં છે. આ તમામ પરિબળોને કારણે દેશમાં આયાત કરાતાં ખાદ્ય તેલના ભાવમાં જંગી વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી પામ, સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવમાં અનુક્રમે 10.6 ટકા, 16.8 ટકા અને 12.3 ટકાનો વધારો થયો છે. ભારતમાં ખાદ્ય તેલની કુલ માંગ પૈકી 58 ટકા માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવી છે. ભારત બીજા નંબરનું સૌથી મોટું ખાદ્ય તેલ વપરાશકાર છે. તથા વેજીટેબલ ઓઈલ્સનું સૌથી મોટું આયાતકાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ આગામી કેટલાક મહિનાઓ સુધી વપરાશકારોને ખાદ્ય તેલની ઊંચી કિંમત ચૂકવવી પડશે. કેમ કે, આયાત ડયૂટીમાં ઘટાડો થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
Source link