એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની વિદેશમાં જમા રૂ.80 કરોડની સંપત્તિ પર નજર રાખી રહી છે. મેહુલ ચોક્સી દ્વારા ઠગાઈ કરવામાં આવેલા રૂપિયા તેમના મૂળ માલિકો સુધી પહોંચાડવાની કવાયત હેઠળ તપાસ એજન્સીએ ફોરેન કન્ટ્રીઝનો સંપર્ક કર્યો છે. ઈડીએ તેમને અનુરોધ કર્યો છે કે, આ સંપત્તિઓને જપ્ત કરી કાર્યવાહી ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવે.
આ પાંચ સંપત્તિઓ મેહુલ ચોક્સીની જ હોવા અંગે ઈડીએ ઓળખ કરી છે. તેમજ ઈડીએ મેહુલ ચોક્સીની કંપનીઓ થાઈલેન્ડ, દુબઈ, જાપાન અને અમેરિકામાં હોવાનું પણ શોધી કાઢયું છે. જેમાં એક વિલાનો સમાવેશ થાય છે. જે 1,518 સ્કવેર મીટરમાં પથરાયેલ છે. તથા મેહુલ ચોક્સીની માલિકીની અન્ય અચલ સંપત્તિઓ (ઓફિસ સ્પેસ) દુબઈના અલમાસ ટાવરમાં હોવા અંગે પણ ઓળખ કરવામાં આવી છે. અન્ય એક અચલ સંપત્તિ થાઈલેન્ડમાં હોવાનું પણ શોધી કાઢવામાં આવ્યું છે. ઈડીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી આ સંપત્તિનો બેનિફિશ્યિલ ઓવનર છે. ન્યૂયોર્કના મેનહટનમાં સ્થિત ફલેટ પણ ઈડીની રડારમાં છે. ઉપરાંત જાપાનની જીએસટીવી કંપની લિમિટેડમાં મેહુલ ચોક્સીના 7,49,500 સ્ટોક્સ પર પણ ઈડીની નજર છે. મેહુલ ચોક્સી આ કપંનીમાં 22.56 ટકા હિસ્સો ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈડીએ આ મામલે વિદેશી એજન્સીઓને પહેલાથી જ જાણ કરી દીધી છે પણ તેમની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈડીના સીનિયર હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીની આ વિદેશી સંપત્તિને જપ્ત કરી તેને પીડિતો સુધી પરત પહોંચાડવાનો હેતુ છે. મેહુલ ચોક્સી દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી અંગે પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા દાખલ કરાયેલી અરજી અંગે ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈની કોર્ટ દ્વારા હુકમ પસાર કરવામાં આવ્યો હતો. જેના પગલે ઈડી દ્વારા ઉક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે ઈડી અને બેંક અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં તપાસ એજન્સીએ મેહુલ ચોક્સીની વિદેશમાં રહેલી સંપત્તિ જપ્ત કરી પીડિતોને પરત કરવા અંગે સંમતિ દર્શાવી હતી. ગત મહિને ઈડીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી સામે મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે તેમણે અત્યાર સુધી રૂ.2,500 કરોડથી વધુની સંપત્તિ પીડિતોને પરત કરી છે.
Source link