જાહેરાતની દુનિયાની એક ધ્યાનાકર્ષક ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીનો એક પુરૂષ ઈમામીની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ, ક્રીમ લગાવ્યા બાદ પણ ફેર એન્ડ હેન્ડસમ ન દેખાતાં તેણે કન્ઝયૂમર ફોર્મમાં અરજી કરી હતી.
જેના પગલે ગ્રાહક ફોરમે આ પુરૂષની અરજીને ગ્રાહ્ય રાખી કંપનીને ગેરમાર્ગે દોરતી જાહેરાત દર્શાવવા બદલ પીડિતને રૂ.15 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. પોતાની ફરિયાદમાં આ પુરૂષે જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2013માં રૂ.79માં ક્રીમ ખરીદી હતી. આ ક્રીમ તેણે કંપનીની જાહેરાત જોઈને ખરીદી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈમામી કંપનીની આ ક્રીમ લગાવ્યા બાદ તમારી સ્કીન ચમકવા લાગશે. પણ કંપનીના દાવા પ્રમાણે પરિણામ આવ્યું ન હતું. કંપનીએ જે પ્રમાણે ક્રીમ લગાવવા માટે જણાવ્યું હતું, તે મુજબ જ આ ક્રીમ સ્કીન પર લગાવી હતી છતાં સ્કીનમાં કોઈ ગ્લો આવ્યો ન હતો. સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટ્રીક્ટ કન્ઝયૂમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને નવમી ડિસેમ્બરના રોજ ઈમામી સામે આદેશ આપ્યો હતો. ફોરમે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, નિર્દેશ મુજબ ચહેરા અને ગરદનને સાફ કર્યા બાદ ઝડપથી ગ્લોવિંગ ફેરનેસ મેળવવા દરરોજ દિવસમાં બે વખત ક્રીમ લગાવવામાં આવી હતી. છતાં ફરિયાદીના ચહેરા પર કોઈ નિખાર આવ્યો ન હતો.
આ કેસમાં ઈમામી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદી પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે કે, તેણે ક્રીમ યોગ્ય રીતે લગાવી હતી. જે દલીલ સામે ફોરમે જણાવ્યું હતું કે, ફરિયાદીના સ્કીન ટોનમાં કોઈ સુધારો થયાનો પણ પુરાવો નથી. અલબત્ત કંપનીએ વધુમાં દલીલ કરી હતી કે, ડાયટ, કસરત, હાઈજિન જેવા પરિબળો પણ અસર કરે છે. જો કે ફોરમે જણાવ્યું હતું કે, આ પરિબળોનો ઉલ્લેખ પેકેજિંગ પર કરવામાં આવ્યો નથી. ઈમામીએ એવી પણ દલીલ કરી હતી કે, આ ક્રીમ બીમાર ન હોય તેવા 16 વર્ષથી 35 વર્ષના પુરૂષો માટે જ છે. તમામ દલીલો સાંભળ્યા બાદ ગ્રાહક ફોરમ એ તર્ક પર પહોંચ્યું હતું કે, ઈમામી દ્વારા અયોગ્ય બિઝનેસ પ્રથા અપનાવવામાં આવી હતી અને અંતે કંપનીની વિરૂદ્ધમાં આદેશ પસાર કર્યો હતો.
Source link