કુદરતી ગેસ પર વર્તમાનમાં બહુવિધ કર માળખું લાગુ છે. જે ટેક્સ પ્રક્રિયાને ગૂંચવાડા ભરી બનાવે છે. ઉપરાંત વિવિધ રાજયોમાં નેચરલ ગેસ પર વેટની પણ વસૂલાત કરાય છે. જેમાં 15 ટકા સાથે ગુજરાત મોખરે છે. ઔદ્યોગિક એકમો માટે કુદરતી ગેસ એક મહત્વપૂર્ણ ઘટક હોવાથી તેને આ ગૂંચવાડાભરી ટેક્સ પ્રણાલીમાંથી બહાર કાઢી જીએસટીના દાયરામાં લાવવા રજૂઆત કરવામાં આવી છે. આગામી 21મી ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જેસલમેર ખાતે જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજનારી છે
ત્યારે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી કેન્દ્રીય નાણાં મંત્રાલયને દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે, કુદરતી ગેસને જીએસટીના દાયરામાં સામેલ કરવામાં આવે. પેટ્રોલિયમ મંત્રાલયની આ અંગેની રજૂઆત બાદ હવે આ મામલાને જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઉઠાવવામાં આવે તેવી શકયતા છે.
પેટ્રોલિયમ મંત્રાલયનું માનવું છે કે, નેચરલ ગેસને જીએસટીમાં સામેલ કરવાથી પેટ્રોકેમિકલ વેલ્યૂ ચેઈનને લાભ થશે. હાલ ગેસ પર ઘણાં કર માળખા લાગુ છે. જે રાજય પ્રમાણે અલગ-અલગ છે. નેચરલ ગેસ એક મોટું ઔદ્યોગિક ફીડસ્ટોક છે. ઉપરાંત તેનો ઉપયોગ બળતણ તરીકે પણ કરવામાં આવે છે. સામાન્ય ફર્ટીલાઈઝર યુરિયાના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેચરલ ગેસને ઓલેફિન (એથિલિન-પ્રોપલિન) બનાવવા માટે કેપિટલ ઈન્ટેન્સિવ ક્રેકર્સમાં ઉમેરવામાં આવે છે, જે ઘણાં ઉદ્યોગો માટે ઈનપુટ છે. ઉપરાંત નાણાં મંત્રાલય વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરી રહ્યું છે, જે હાલમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર વસૂલવામાં આવે છે.
કુદરતી ગેસને શા માટે GSTમાં સામેલ કરવાની દરખાસ્ત કરાઈ?
જે કંપનીઓ હાલમાં કુદરતી ગેસનું ઉત્પાદન અને તેનો ઉપયોગ કરે છે તેમને બે માળખામાં કર ચૂકવવો પડે છે, જે કેન્દ્રીય એક્સાઈઝ ડયૂટી તથા રાજય સ્તરે વેટ તરીકે વસૂલવામાં આવે છે
કેન્દ્ર સરકાર દ્વારા સીએનજી પર 14 ટકા એક્સાઈઝ ડયૂટી વસૂલવામાં આવે છે
એકથી વધુ કર માળખાને કારણે ટેક્સની પ્રક્રિયાને ગૂંચવાડાભરી બનાવે છે, તેમજ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ મળતો નથી
નેચરલ ગેસ પર રાજયો દ્વારા જે વેટ વસૂલવામાં આવે છે તેમાં ગુજરાત 15 ટકા સાથે સૌથી ઉપર છે, જયારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછો ત્રણ ટકા વેટ વસૂલાય છે
Source link