Business: સેન્સેક્સમાં 1,064પોઇન્ટનું ગાબડું,તમામ 30ઘટક શેરો 2.83ટકા સુધી ઘટી રેડ ઝોનમાં બંધ
યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા તેની બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવનાર છે તે પહેલા ખેલાડીઓએ સાવચેતીનો સુર અપનાવતા ફાયનાન્સિયલ ક્ષેત્રના હેવિવેઇટ શેરો એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક તથા બ્લુચિપ સ્ટોક્સ રિલાયન્સ અને ભારતી એરટેલમાં આજે જંગી વેચવાલી જોવા મળી હતી. આના પગલે સેન્સેક્સમાં 1,064 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો અને નિફ્ટી 24,350થી નીચે બંધ રહ્યો હતો. સપ્તાહના સતત બીજા સેશનમાં જોવા મળેલી આજની મંદી એટલી વ્યાપક હતી કે સેન્સેક્સના તમામ 30 શેરોમાં 0.04 ટકાથી 2.83 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી મિડિયા સિવાયના ઇન્ડેક્સ 0.09 ટકાથી 1.82 ટકા સુધી ઘટયા હતા. નિફ્ટીના 50 શેરો પૈકી 48 શેરો 0.09 ટકાથી 5.27 ટકા સુધી ઘટયા હતા. એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં જંગી વેચવાલી કરી હતી અને તેની નેટ વેચવાલીનો આંકડો રૂ. 6,409 કરોડ થાય છે.
પ્રારંભે 237 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,613ની હાઇ અને 80,612ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 1,001 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 1,064 પોઇન્ટ એટલે કે 1.30 ટકા ઘટીને 81,00નું સ્તર ગુમાવી 80,684 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેશનના પ્રારંભથી સેન્સેક્સમાં શરૂ થયેલી ઘટાડાતરફી ચાલ સતત સેશનના અંત સુધી ચાલુ જ રહી હતી. બીજી તરફ નિફ્ટી પણ પ્રારંભે 84 પોઇન્ટ નીચમાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,624ની હાઇ અને 24,303ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 321 પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી 332 પોઇન્ટ એટલે કે 1.35 ટકા ઘટીને 24,336ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે મંદી છવાઇ હતી, પરંતુ મંદીનો માર લાર્જ કેપની તુલનાએ ઓછો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 310 પોઇન્ટ એટલે કે 0.65 ટકા ઘટીને 47,815ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 298 પોઇન્ટ એટલે કે 0.52 ટકા ઘટીને 56,928ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે એસએમઇ આઇપીઓ શેરોમાં આજે પણ તેજી આગળ વધી હતી અને બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સે આજે પણ ઇન્ટ્રા ડેમાં 1,16,720ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને દિવસને અંતે 953 પોઇન્ટ એટલે કે 0.83 ટકા વધીને 1,16,141 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,107 શેર પૈકી 1,521 વધીને, 2,502 વધીને અને 84 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. આજે એક પણ શેરમાં અપર સર્કિટ કે લોઅર સર્કિટ લાગી ન હતી. બીએસઇનું એમ કેપ આજે રૂ. 455.13 કરોડ એટલે કે 5.36 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 460.06 લાખ કરોડથી રૂ. 4.93 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી બધા જ શેર આજે ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટીના 50 પૈકી માત્ર બે જ શેર વધ્યા હતા. સિપ્લા 0.14 ટકા અને આઇટીસી 0.13 ટકા વધીને બંધ રહ્યો હતો. નિફ્ટીના ઘટક પૈકી શ્રીરામ ફાયનાન્સ 5.27 ટકા, ગ્રાસીમ 3.21 ટકા અને હિરો મોટરકોર્પ 3.01 ટકા ઘટયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 3.31 ટકા વધીને 14.49ના સ્તરે પહોંચ્યો હતો. આમ બે દિવસમાં વોલેટાલિટી ઇન્ડેક્સમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. નિફ્ટીના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી મિડિયા સિવાયના તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી મિડિયામાં 0.2 ટકાનો વધારો નોંધાયો હતો.
મંગળવારની મંદીના મુખ્ય કારણો
યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલાનો ઉચાટ
રૂપિયો 84.92ના તળિયે પહોંચ્યો તેની ચિંતા
એફઆઇઆઇની નવી ખરીદીનો અભાવ
બ્લુચિપ સ્ટોક્સમાં જંગી વેચવાલી
જાપાનની મધ્યસ્થ બેંક 19મીએ વ્યાજદર વધારે એવી શક્યતા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 10 વર્ષ પછી પ્રથમ વાર નેગેટિવ રિટર્ન આપે એવી વકી ।
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળ્યો છે. સરકારે વિન્ડફોલ ટેક્સ રદ કર્યો છતાં આ શેરમાં તેજી જોવા મળી નથી અને બોનસ ઇશ્યુ પણ આ શેરમાં પ્રાણ ફુંકવામાં નિષ્ફળ રહ્યો છે. જુલાઇ મહિનામાં કંપનીના શેરે બનાવેલી રૂ. 1,608ની વિક્રમી ટોચથી હાલમાં આ શેરમાં 21 ટકાનું ધોવાણ થયું છે, જેને પગલે કંપનીના એમ કેપમાં રૂ. 4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો 10 વર્ષ પછી સૌપ્રથમ વાર રિલાયન્સ કોઇ એક કેલેન્ડર વર્ષમાં નેગેટિવ રિટર્ન નોંધાવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
FIIની રૂ. 6,409 કરોડની નેટ વેચવાલી ।
FIIએ આજે ભારતીય શેરબજારમાં 6,409 કરોડની જંગી વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 2,706 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે એફઆઇઆઇએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં કરેલી નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ. 5,019 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો વધીને રૂ. 7,144 કરોડ થાય છે.
Source link