આજે સવારથી જ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. આઇટી શેરોમાં તેજીના માહોલ વચ્ચે ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેંકમાં નબળાઇને પગલે સુચકાંકો દિવસને અંતે નજીવા ઘટીને બંધ રહ્યા હતા.
જોકે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બુધવારે ગાંધીજયંતી નિમિત્તે શેરબજારનું કામકાજ બંધ રહેશે. એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 5,579 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 4,609 કરોડની નેટ ખરીદી કરી હતી.
આજે ભારે અફરાતફરીભર્યા માહોલમાં સેન્સેક્સ પ્રારંભે 42 પોઇન્ટ નીચમાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 84,648ની હાઇ અને 84,098ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 550 પોઇન્ટની વધઘટ પછી અંતે સેન્સેક્સ 33 પોઇન્ટ એટલે કે 0.04 ટકા ઘટીને 84,266ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 22 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,907ની હાઇ અને 25,739ની લો સપાટી બનાવ્યા પછી અંતે 14 પોઇન્ટ એટલે કે 0.05 ટકા ઘટીને 25,796ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીમાં કુલ 168 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ દિવસને અંતે 132 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 49,484ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 319 પોઇન્ટ એટલે કે 0.56 ટકા વધીને 57,450ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,054 શેર પૈકી 2,240 વધીને, 1,743 ઘટીને અને 71 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. 474.86 લાખ કરોડ એટલે કે 5.67 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ગઇ કાલના રૂ. 474.35 લાખ કરોડથી રૂ. 51,000 કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 પૈકી 13 અને નિફ્ટીના 50 પૈકી 21 શેર આજે વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 6.25 ટકા ઘટીને 12થી નીચે એટલે કે 11.99ના સ્તરે આવી ગયો હતો.
નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી સાત વધીને જ્યારે સાત ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.17 ટકા અને મિડિયા 1.60 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.67 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં 1,576 પોઇન્ટનો ઉછાળો
એસએમઇ આઇપીઓ શેરોમાં આજે ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન કુલ 1,823 પોઇન્ટની વધઘટ પછી બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 1,576 પોઇન્ટ એટલે કે 1.54 ટકા વધીને 1,03,952ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે આમ છતાં આ ઇન્ડેક્સ હજી તેની 1,14,991ની ઓલટાઇમ હાઇ સપાટીથી 11,039 પોઇન્ટ નીચે છે.
Source link